સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨-૧૩


 વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી

  1.  ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦શિક્ષકો
  2.  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકો
  3.  સામાજિક વિજ્ઞાન૩૫૦૦ શિક્ષકોની
  ભરતી તા.૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી 

ઓન લાઇન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો.  
 આ બ્લોગ પર latest ભરતી ને લગતી માહિતી update થતી રહસે..
ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન ૩૦૦૦ શિક્ષકો - ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ૩૫૦૦ શિક્ષકો)ની ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org www.ptcgujarat. org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું.

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

ધ્યેય



            યુવાનીમાં કંઇક નવું અને શ્રેષ્ઠ કરી બતાવવાનો થનગનાટ હોવો જોઇએ. દુનિયાના પડકારો ઝીલીને તેની સામે લડવાની તાકાત કેળવવી જોઈએ. તે સમયે ગાડરિયા પ્રવાહમાં પોતાની જાતને ખોઈ બેસનાર યુવાન કેવા ભવિષ્યનું નિર્માણ કરશેઊંચું નિશાન અને ઊંચા સ્વપ્નો જ તમને નવી દિશા આપશે. મજબુત ઇરાદાઓની જ જીત થતી હોય છે.
આજે નવીનતાના નામે પરીક્ષાઓ આપવાની હોડ લાગી છે. શું બનવું છે એ નહીં, પણ સરકારી નોકરી ક્યાં મળે છે એ મહત્ત્વનું બની રહ્યું છે. હમણાંથી સરકારી જગ્યામાં ઘણી બધી ભરતીઓ થવા લાગી છે. આ ભરતીઓમાં પાસ થવા લાખો ઉમેદવારો તૈયાર થયા છે. પીએસઆઈ અને પોલીસની એક્ઝામ આપવા તો રીતસરનો ફુગાવો ફૂટી નીકળે છે. એક્ઝામ આપનાર દરેક ઉમેદવાર ખોટો નથી, પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરનારામાં તો અમુક ભરવા ખાતર ભરીને પ્રયત્ન કરે છે, તો અમુકને તો એ જ ખબર નથી કે તે શું કરી રહ્યા છે? અમુક વિદ્યાર્થીને તો વિનંતી કરવી પડે એમ છે કે તમે ભણી ના શકો તો કંઈ નહીં, પણ તેનું અપમાન તો ના કરો. હકીકત તો એ છે કે તે વિશે તેઓ જાણતા જ નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. 
             વાસ્તવિક વાત છે, એક યુવાને બેંક, ક્લાર્ક, કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી તમામ સરકારી નોકરીનાં ફોર્મ ભર્યાં છે અને તેની તૈયારી કરે છે. જ્યારે તેને પૂછયું તો ખ્યાલ આવ્યો કે તેણે માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનાં તો ફોર્મ જ ભર્યાં છે. કોઈ પણ સરકારી જાહેરાત આવે એટલે એ ફોર્મ ભરી દે. એ યુવાન કોમર્સનો વિદ્યાર્થી છે. તેના માટે જીવનમાં સરકારી નોકરી મહત્ત્વની છે, પછી તે કોઈ પણ પોસ્ટ કેમ ના હોય. યુવાનોને ભારતનું ભવિષ્ય માનનાર ડો. કલામ સાહેબ એમ માને છે કે ૨૦૨૦માં ભારત પાસે સશક્ત યુવાનોની ફોજ હશે અને ત્યારે ભારત વિશ્વની મહાસત્તા હશે. આ પ્રકારના યુવાનો પાસે જો તેમની અપેક્ષા હશે તો તે ક્યારેય પૂરી નહીં થાય. સરકારી નોકરી બેસ્ટ છે, પણ જો તેને આરામની નોકરી ના સમજો તો. જો સાચી શ્રદ્ધાથી પીએસઆઈ બનો તો તેનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે! તેમાં જ તો દેશનું નિર્માણ જોડાયેલું છે. બધા પોત પોતાની ક્ષમતા અને પ્રામાણિક બનીને એક્ઝામ આપે તો આ ફુગાવો ક્યારેય ના સર્જાય. જીવનમાં તમારૂ પોતાનું લક્ષ્ય હોવું જોઇએ. 
તે પછી અભ્યાસનું હોય કે બિઝનેસનું તેને પ્રાપ્ત કરવા તમારા તરફથી શ્રષ્ઠ પ્રયાસ થવો જોઇએ. કોણ શું કરે છે તે મહત્વનુ નથી. તમે શુ કરવા માંગો છો તે મહત્વનું છે. તમને જે પરીક્ષામાં પાસ થવાનો વિશ્વાસ ના હોય, તેમાં પૈસા આપીને પાસ થવાનો શું મતલબ? કદાચ તમે આડકતરી રીતે તેમાં નોકરી પણ મેળવી લેશો, પણ શું તમને તેમાં આત્મસંતોષ મળે છે? જ્યારે દુનિયા તમારી પાસે અપેક્ષા રાખે છે ત્યારે તમારે તમને સાબિત કરવા પડે છે. શિક્ષણ અને કરિયર બંને પાછળ આપણે જ છીએ. જેવું તમે નિર્માણ કરશો તેવું તમારી આવનારી પઢીને મળશે. તમારે શું આપવું છે? 'બેટમેન' ફિલ્મમાં એક જબરદસ્ત સંવાદ છે,જ્યારે બ્રુસ વેઇન કૂવામાં પડી જાય છે ત્યારે તેના પિતા તેને કહે છે, 'હમ ગિરતે ક્યોં હૈં, ક્યોંકિ હમ ખુદ કો સંભાલ શકે' જ્યારે ફિલ્મમાં ગોથમ શહેર પર માફિયા રાજ હાવી થઈ જાય છે ત્યારે બ્રુસ વેઇને દિશા નહીં, પણ દશા બદલી. કોઈ સારું સર્જન ત્યારે જ થાય જ્યારે તેના માટે સંઘર્ષ કરવામાં આવ્યો હોય.
હું ભલોને મારું સર્જન ભલું
                   તમને હજારો કામ કરવા માટેની પ્રેરણા મળશે, પણ તમને તમારો અંતરાત્મા જે કરવા કહે તે કરજો તો સફળતામાં તમે તમને જોશો. જેને ઇતિહાસ બનાવવો હોય તેના માટે ધનવાન કે ગરીબ હોવું ગૌણ છે. ગરીબીને ગરીબીથી જોનાર ક્યારેય પોતાને પ્રાપ્ત નથી કરી શકતા. યુવાનીમાં નિષ્ફળતા મળે એ પણ મહત્ત્વની બાબત છે, એ તમને જવાબદારી નિભાવતા શીખવે છે. આ વાત તે જ કહી શકે જેમણે તે પરિસ્થિતિનો સામનો કર્યો હોય, તે હતા વોલ્ટ ડિઝની. સવારમાં કડકડતી ઠંડીમાં પરિવારની રોજગારી પૂરી પાડવા પિતાના પેપરના વ્યવસાયને આગળ ધપાવવા બાળપણના દિવસો પેપર વેચવામાં કાઢયા હતા. આમ પણ ચાર દીવાલમાં ભણાવવામાં આવતું ભણતર તેમના માટે તો હતું જ નહીં. આઠ ધોરણ પછી વોલ્ટ ક્યારેય શાળાનું પગથિયું નથી ચડયા. બાળપણના શોખને અલગ અલગ ચિત્રોમાં જન્મ આપ્યો, પણ ત્યારે તે કાર્ટૂનનું મૂલ્ય નજીવું હતું. 
                 નવરાશની દરેક પળમાં તેઓ તેમની જાતને ચિત્રો દોરવામાં ખાઈ બેસતા. એક દિવસ ટ્રેઇનની યાત્રામાં નિરાશાની વચ્ચે ડ્રોઇંગ પેડ પર જે સર્જન તેમણે કર્યું તે હતું મિકી માઉસ. પૈસા તો તેમના પણ બહુ ડૂબ્યા હતા, પણ તેમણે તેમના કામનો ઉત્સાહ ક્યારેય ઓછો નહોતો થવા દીધો. તેમની જીવનકથા Walt Disney: Hollywood's Dark Prince જે Marc Eliot લખી છે. વોલ્ટ હંમેશા કહેતા કે દરેક કામનો આનંદ ઉઠાવો, તમારામાં આત્મવિશ્વાસ જગાવો તે કાર્ય કરવાનો. તેઓ જે કરતા તે મેળવીને જ રહેતા. મારા મતે શિક્ષણને મનોરંજન દ્વારા આપવામાં આવે તો તે યુવાનોના માનસપટ પર વધુ અસર કરે છે અને તે કરવામાં હું સફળ થયો છું.
જીવન એક પડકાર છે
            દરેક વસ્તુનું નિર્માણ બે વખત થાય છે. એક વખત મગજમાં અને બીજી વખત વાસ્તવિકરૂપમાં. નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા માનવી અટલ રહે તો તેને અવશ્ય મેળવીને જ જંપે છે. શિક્ષણ મેળવવું એ જીવનનો ભાગ છે પણ તેનું શ્રેષ્ઠ અમલીકરણ કરવું એ જીવનનું કાર્ય છે. જ્યારે ગુરૂ દ્રોણાચાર્યના આશ્રમમાં કૌરવો અને પાંડવો અભ્યાસ કરવા આવ્યા ત્યારે અર્જુન તેનો પ્રિય શિષ્ય નહોતો. પણ અર્જુનની શિખવા પાછળની ધગશ જોઈને તેનો પ્રિય શિષ્ય બન્યો. અર્જુનને શિખવું જ હતું એટલે પરિક્ષા સમયે તેને માત્ર પક્ષીની આંખ જ દેખાઈ. હિરાનું મૂલ્ય એ જ સમજી શકે જેણે તેને ઘસાતો જોયો હોય અને પારખી શકે. જો તમને વિશ્વાસ હોય તો તમે અવશ્ય તેના પર સિદ્ધી પ્રાપ્ત કરી શકો છો. પછી ભલેને તેને મેળવવા સૌથી કઠીન પરિશ્રમ કરવો પડે. અમેરિકામાં શિક્ષણને શ્રેષ્ઠ વેગ આપનાર બેન્જામિન મેય્સ બહુ સરસ વાત કહી છે. 'જીવનની નિષ્ફળતા એ નથી કે તમે લક્ષ્ય સુધી પહોચી ના શક્યા. નિષ્ફળતા એ છે કે ત્યા પહોચવા માટે તમારી પાસે કોઈ લક્ષ્ય જ નહોતું.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

મેરા ભારત મહાન


...ને એક ગરીબ બ્રાહ્મણનો છોકરો વિશ્વના શિક્ષકો માટે બન્યો આદર્શ
તમિલના તિરુત્તાની ગામના ગરીબ બ્રાહ્મણનો છોકરો. એમ. એ. સુધીમાં આ કળીકાળમાં પ્રસ્થાનત્રયી (ગીતા,ઉપનિષદ અને બ્રહ્મસૂત્રને પ્રસ્થાનત્રયી કહે છે.  ઋષીઓ ત્યારે જ વિદ્વાન ગણાતાં) પર ભાષ્ય આપે છે. સ્કોલર થઈને ઓક્સફોર્ડમાં ભણવા ગયેલો આ ગરીબ બ્રાહ્મણનો છોકરો, આખરે ત્યાં પી.એચડીનો ગાઈડ બની જાય છે.

ઓક્સફોર્ડ યુનિ.માં ‘ઈસ્ટર્ન રિલીજીયન એન્ડ એથિક્સ’ વિષયના ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો પી.એચડી.નો ગાઈડ બની જાય છે. અંગ્રેજોને અંગ્રેજોના પ્રદેશમાં જઈને અંગ્રેજીમાં જ હિન્દુધર્મના પાઠ ભણાવે છે, જ્યારે અંગ્રેજો ભારત પર કબ્જો જમાવામાં વ્યસ્ત હતા, ત્યારે વિવેકાનંદ અને રવિન્દ્રનાથ પછી તેને સાબિત કરી બતાવ્યું કે વિચારોમાં બુદ્ધિમત્તા ભારતીયની હોઈ શકે છે. આ વ્યક્તિએ શું-શું સર્જન કર્યું 

ભેદ ખોલી શક્યો નહિ


ગેરસમજ કેવી હતી કે કંઇ બોલી શક્યા નહીં,
આપણી એ વાતનો ભેદ ખોલી શક્યા નહીં.

જાણતા હતા કે જીત આપણી જ છે,
તો પણ એ ખેલ ખેલી શક્યા નહીં.

જતું રહેવું દુનિયાની ભીડથી દૂર,
પણ મજબૂરી કે ફળિયા બહાર પગ મેલી શક્યા નહીં.

સહન તો બધું જ કરવાની તાકાત હતી,
પણ દુનિયાના દર્દને ઝેલી શક્યા નહીં.

પ્રણયનો એક દીપક જલાવી રાખ્યો’તો,
આંધી-તુફાનને પાછા ઠેલી શક્યા નહીં.

વજન કેવું હશે એ દર્દનું દોસ્તો,
કે કોઇ ત્રાજવે તોલી શક્યા નહીં...

સન્માન સમારંભ

શ્રી નીતિનભાઈ બી પટેલ (પ્રજ્ઞાના તજજ્ઞ સી આર સી ) પ્રમોશન મેળવી ચિકાર ના આચાર્ય બનતા સન્માન સમારંભ ના સંભારણા 



મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2012

સાચો શિક્ષક


શિક્ષક એ માત્ર પગારદાર પંતુજી નથી. એ એક વ્યક્તિત્વ છે. સમાજનું મહત્ત્વનું અંગ છે રૂપિયા રળતાં મશીનો તો અસંખ્ય અસ્તિત્વમાં આવી જાય છે, પણ સમાજમાં સીમાચિહ્નો રોપી શકે તેવાં મૂલ્યવાન માનવી કેટલાં બને છે !
'શિક્ષક' શબ્દનો સીધો અર્થ છે શિક્ષણ આપે, શીખવાડે તે શિક્ષક. બાળકના પહેલાં શિક્ષક તેનાં માતા-પિતાને ગણાયા હોવા છતાં મા-બાપ કરતાંય શિક્ષકને વિશેષ સ્થાન અને વિશિષ્ટ જવાબદારી આપણા સમાજે આપ્યાં છે. તેથી બાળકના સર્વાંગી વિકાસ માટે સંસ્કારોનું સિંચન કરી તેને યોગ્ય, જીવનોપયોગી જ્ઞાન આપવામાં મા-બાપના સરખા ભાગીદાર બને તે શિક્ષક.
શિક્ષક એ માત્ર પગારદાર પંતુજી નથી. એ એક વ્યક્તિત્વ છે. સમાજનું મહત્ત્વનું અંગ છે. શિક્ષકપણું એ સ્કૂલ-ક્લાસરૂમ, પિરિયડ કે છાપેલા કોર્સને મોહતાજ ના રહેવું જોઈએ. એક જવાબદાર શિક્ષકનું કર્તવ્ય છે કે, તે વિદ્યાર્થીને શુદ્ધ જ્ઞાન અને સાચી કેળવણી આપી તેનું વ્યક્તિત્વ નિર્માણ કરે.
ચારિત્ર્યના સંસ્કારના અને નીતિમત્તાના ઉમદા પાઠ ભણાવીને તેને ભાવિ જીવન માટે તૈયાર કરે.
એક સમય એવો પણ હતો જ્યારે ગુરુ અને શિક્ષકનું નામ પડે એટલે માન અને આદરથી મસ્તક આપોઆપ નમી પડતું. શિક્ષા આપનારમાં ગુરુનું ગાંભીર્ય, પૂરતું જ્ઞાન, વિશાળ અનુભવ, ધીરજ અને ચારિત્ર્યના ઉત્તમ ગુણો પણ જોવા મળતાં, પણ સમય સાથે ગુરુની છબી તૂટતી ગઈ.
અફસોસ કે જ્યારથી શિક્ષણનું વ્યાપારીકરણ થવા લાગ્યું, કહેવાતા ગુરુદેવો માટે શિક્ષણ એ તગડી કમાણીનું સાધન બની ગયું. પરિણામે શિક્ષણ તથા શિક્ષક બેઉનું સ્તર ઉત્તરોત્તર કથળતું ગયું. શુદ્ધ જ્ઞાન રૂપિયાના રણકાર વચ્ચે ક્યાંક અટવાઈ ગયું અને શિક્ષકો ખુદ તેમના પદની ગરિમા ખોઈ બેઠા.
આજની વાર્તા એ છે કે, શિક્ષણ બોડીબામણીનું ખેતર બની ચૂક્યું છે અને તકસાધુ, ચતુર શિક્ષકો સફળ ખેડૂતો જેઓને જ્ઞાનનાં બીજ રોપવાના બદલે માત્ર રૂપિયાનો મબલખ પાક લણવામાં જ રસ છે. આમાં સાચું જ્ઞાન અને ખરી કેળવણી તો પેલા નિંદામણની જેમ બહાર જ ફેંકાઈ જાય છે.
મૂલ્યનિષ્ઠા એ કોઈપણ શિક્ષકનું ઘરેણું હોવું ઘટે. એક સાચા-સફળ શિક્ષકની ઓળખ જ તેની આ ફરજભાવનામાં સમાયેલી હોય છે.
પણ ચિંતાની વાત એ પણ છે કે, અસંખ્ય એવાં મૂલ્યહીન, ચારિત્ર્યહીન, લાલચુ અને ભણાવવાના નામે ઠાગાંઠૈયાં કરતાં શિક્ષકોનો આખો ફાલ શિક્ષણ જગતને ભરડો લઈ ચૂક્યો છે. બદનામ કરી ચૂક્યો છે. જેઓ સ્કૂલ-કોલેજમાં સરખું ભણાવવાની દાનત નથી રાખતાં, પણ ટયૂશનો અને એક્સ્ટ્રા કોચિંગ કરાવીને વધારાની કમાણી કરી લેવાનો મોહ જરૂર રાખે છે.
જેમને મારી-મચેડીને માત્ર કોર્સ પૂરો કરાવી દેવામાં (પતાવી દેવામાં...!!) જ રસ છે. શીખવવાના બદલે ધીબેડી-ગોખાવીને વિદ્યાર્થીને આગલા વર્ગમાં ધકેલી દેવામાં જ પોતાના શિક્ષકપણાની કાબેલિયત સાબિત કરવી છે.
જ્ઞાન અને આવડતની વચ્ચે લાગવગ તથા લાંચનું શું કામ ? આજે તો શિક્ષક કે પ્રોફેસરના 'માનીતા' હોવાનો પણ એક 'વિશેષ લાભ' મળતો હોય છે. એવાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીની ઉપર જે-તે સર અને ટીચરના ચારેય હાથ હોય છે.
પરિણામે કૃપા માર્ક્સના પ્રતાપે આ માનીતા વિદ્યાર્થીને 'પરાણે પાસ' પણ કરી દેવાતાં હોય છે. સવાલ એ છે કે, આ વિદ્યાર્થીઓ આગળ જતાં પછી દેશના જવાબદાર-સમજદાર નાગરિક અને મૂલ્યનિષ્ઠ માણસ બનતાં શીખે જ ક્યારે? બને પણ શા માટે ? એક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના સિલેબસમાં આવી બધી તો અનેક ખૂટતી કડીઓ જોવા મળશે. ખાટલે મોટી ખોડ તો એ પણ છે કે,આજના વિદ્યાર્થીને ભણવું નથી છતાં પાસ થવું છે અને સારી જોબ મેળવી અધધ કમાણી પણ કરવી છે. કેવી રીતે ? તો એ માટેનાં 'મોંઘેરા શોર્ટકટ' લઈને. આવા પૈસાલક્ષી શિક્ષકો તથા શિક્ષણ જગતના અનેક ખેરખાંઓ તૈયાર રહે છે. જેટલી ગરજ વધારે તેટલી કિંમત વધુ. આનું સીધું પરિણામ એ આવે છે કે, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એક્સ્પર્ટ્સ બને છે, પણ સફળ માણસ એમાંથી કેટલાં બને છે ? રૂપિયા રળતાં મશીનો તો અસંખ્ય અસ્તિત્વમાં આવી જાય છે, પણ સમાજમાં સીમાચિહ્નો રોપી શકે તેવાં મૂલ્યવાન માનવી કેટલાં બને છે !
શિક્ષકનો એક બીજો મનગમતો અર્થ પણ આજે ઘણા શિક્ષકો મનાવી રહ્યાં છે. નાની અમથી ભૂલ કે તોફાન બદલ વિદ્યાર્થીને ધીબેડી નાખવાના કિસ્સા પણ છાશવારે છાપે ચઢતાં રહે છે. શિક્ષા કરે તે શિક્ષક...!! મારે તે માસ્તર...? મારધાડ અને દાદાગીરી શિક્ષક નામ સાથે શોભતી નથી...!
સવારે પોતે ગાઈડમાંથી ગોખી-કાગળમાં લખીને જાય અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર રોફ જમાવી આવે. કોઈને કંઈ સમજાય નહીં કે આવડે નહીં એટલે સોટી લઈને 'શિક્ષકગીરી' કરી નાખવાની. ક્યારેક કોઈના પર મિજાજ જાય તો કાન કરડી નાખવાનો કે પછી મસ્તીના મૂડમાં હોય તો વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને કપડાં ઊતરાવીને સ્કૂલના ગ્રાઉન્ડમાં ચક્કર મરાવી લેવાનું !
અરે વાહ...! આ કેવા ગુરુઓ...!? જે વિદ્યાર્થી પર પોતાનો અંગત ગુસ્સો, વેર કે સ્વભાવની ખરાબીના લીધે ઢોરમાર મારી, માથાં ભીંતે પછાડીને ઇજા કરે ? આંખ સુઝાડી દે અને હાથ-પગ તોડી નાખે... !
વળી જેમણે ખુદ ચારિત્ર્યને આદર્શ બનાવવાનું હોય તેના બદલે સારા રિઝલ્ટ માટે ગરજવાન છોકરીઓને ફોસલાવી-ડરાવી અને ઈન્ટરનલ માર્ક્સની લાલચ આપી તેની સાથે બળાત્કાર કે શોષણ કરવાનું હોય ? તેમની છેડતી કરવાની હોય ? આમને તો "માર દિયા જાય કે છોડ દિયા જાય... !!" ગત માસમાં જ રાજકોટની એક સ્કૂલના પ્રિન્સિપાલે બે છોકરીઓને ભોળવીને ભગાડી ગયાનો બનાવ બનેલો છે. વાડ જ ચીભડાં ગળે ત્યારે ?
શિક્ષક અને વિદ્યાર્થિનીઓનો સેક્સ સીડીકાંડ પણ ગત વર્ષે જ સામે આવેલો છે. આ તે શિક્ષણ જગત પર કેવાં કેવાં કલંક ? શિક્ષકના નામ અને કામ સાથે આવું શોભા નથી જ આપતું. સવાલ એ ઊઠે છે કે, શિક્ષકનું અને શિક્ષણનું આવું અધઃપતન થયું કેવી રીતે ? શું આ બધા માટે માત્ર શિક્ષકો જ જવાબદાર ઠરે છે ? જવાબ હા હોય તો પણ શિક્ષક તો તેની ફરજો અને કર્તવ્ય ચૂકી રહ્યા છે, પણ તે આખી પ્રક્રિયામાં ખુદ વિદ્યાર્થી, તેમના વાલીઓ, શિક્ષણની બદલાયેલી સિસ્ટમ તથા ખુદ સમાજ આ બધા ઓછાવત્તા અંશે જવાબદાર બને છે.
ગુરુ-શિષ્યની વચ્ચે માર્ગદર્શક અને મૈત્રીનો સેતુ રચી શકે તેવા શિક્ષકોની તો અછત છે જ, પણ એવાં જ્ઞાનપિપાસુ શિષ્ય પણ આજે ક્યાં છે ? બેઉની વચ્ચે જાગવો જોઈએ તેવો આદર, આત્મીયતા અને વિશ્વાસનો માહોલ જ રચાતો નથી. પરિણામે છાશવારે અધ્યાપક કે શિક્ષકને મારવાના, સતામણીના કિસ્સા પણ કોલેજ કેમ્પસમાં બનતાં રહે છે. દોષી કોણ તે કેવી રીતે નક્કી કરવું ?આજના વિદ્યાર્થીઓને મન દઈને ભણી લેવાના સીધા રસ્તાના બદલે જ્ઞાનના શોર્ટકટ વધુ પસંદ આવે છે. તે માટે પૈસા વેરીને શિક્ષકની પ્રામાણિકતાને પણ ખરીદી લેવાં તે અને તેના વાલીઓ તત્પર રહે છે.
ખુદ વિદ્યાર્થીમાં ભણતરની ભૂખ, જાગૃતતા અને જિજ્ઞાસા હોવા જરૂરી છે, પણ તેની ગેરહાજરી છે જેથી નવા પ્રશ્નો ઊભા થયા કરે છે.
અને શિક્ષક બનનાર વ્યક્તિ પણ એ જ સમાજની દેન છે જેમાંથી તેને એવાં આદર્શો મળ્યાં હોય છે. કોઈપણ સમાજમાં સડો પેસવાના કારણો તેના પાયાના ચણતરમાં રહેલાં હોય છે અને જો શિક્ષણને સમાજનો પાયો ગણાતું હોય તો સુધારાની શરૂઆત અહીંથી જ થવી જોઈએ. માત્ર શિક્ષકને દોષી ઠેરવતાં પહેલાં સમાજમાં વ્યાપ્ત બદીઓ, નબળી કડીઓ અને નીતિવિષયક મૂલ્યો થકી સમાજની ગુણવત્તા સુધારવાના પણ પ્રયાસો કરવા જોઈએ.
એક બાળક પુખ્ત થતાં સુધીમાં તે તેના ઘર, સ્કૂલ તથા આસપાસના જીવનમાં બનતી જે કોઈ ઘટના જોવે છે તે જ શીખતો જઈ પોતાનું ચારિત્ર્ય નિર્માણ કરતો હોય છે. જરૂરી છે કે, સમાજના દરેક જવાબદાર પરિબળો તેની આ વિકાસની પ્રક્રિયામાં તંદુરસ્ત ભાગીદારી નિભાવે.
સમાજમાં જો કે એવાં પણ ગુરુઓ કે શિક્ષકોની સંખ્યા ઓછી નથી કે જેઓએ તેમના સ્થાનની ગરિમા જાળવી રાખી હોય. એક સાચા શિક્ષકની દરેક ક્વોલિટી તેઓ ધરાવતાં હોય અને વિદ્યાર્થી જગતમાં માન-આદર સાથે તેમનું નામ લેવાતું હોય.
શિક્ષક બનનાર દરેક સ્ત્રી-પુરુષ જો વ્યક્તિગત રીતે પોતપોતાની ફરજો અને નિષ્ઠા જાળવી રાખી સાચા શિક્ષકની-ગુરુની ભૂમિકા નિભાવે તે અત્યંત જરૂરી છે. સમાજના તંદુરસ્ત વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહેલાં શિક્ષકો પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ માત્ર રૂપિયાની ખેતી કરવાને જ ધ્યેય બનાવી વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત કરવાના બદલે તેમનામાં ભણતરની સાચી ભૂખ, સંપૂર્ણ જ્ઞાન અને ચેતનાના વાવેતર કરે અને તો જ ગુરુ-શિષ્યની પરંપરા પુનઃ સ્થાપિત થઈ શકશે.