સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી વધુ જો કંઈ જરૂરી હોય તો એ છે મજબૂત ઇરાદો. એક વખત ધ્યેય નક્કી કર્યા પછી કોઈ પણ સ્થિતિમાં ડગવું કે ડરવું નહીં, એ સંકલ્પ જ તમને સફળતા અપાવશે.
નિષ્ફળતાનો ખ્યાલ તેને જ આવે છે જેનો ઉદ્દેશ નબળો હોય. મજબૂત ઇરાદો ધરાવનાર હંમેશાં જીત જ મેળવે છે, કેમ કે તે દરેક કાર્યને સફળતાના ભાગરૂપે જ જુએ છે. પોતાના ઉદ્દેશ પર તે જ અડગ રહી શકે જેને પોતાના માર્ગની જાણકારી હોય. કામ પ્રત્યે સમર્પણની તૈયારી હોય અને પોતાના કામને સિધ્ધ કરવાની શક્તિ હોય. મજબૂત ઇરાદો, માર્ગની જાણકારી, કામ પ્રત્યે સમર્પણ અને અનુશાસન તમારામાં છે? જો જવાબ હા છે તો સફળતા તમારાથી દૂર નથી. તમારો ઉદ્દેશ અડગ હશે તો તમારું મિલન સફળતા સાથે થઈને જ રહેશે. જીવનમાં મહાન કામ મહાન વિચારોથી જ બને છે.
તમારા વિચારો ગમે તેટલા શ્રેષ્ઠ હશે, પણ તે મૂલ્યવાન ત્યારે જ બનશે જ્યારે તમે તેનો અમલ કરશો. જો એ વિચારનો અમલ નહીં કરો તો ઊંઘમાં જોયેલા સોનેરી સ્વપ્નની જેમ ઊઠતાની સાથે જ વિખેરાઈ જશે. જનરલ ઇલેક્ટ્રીકના સીઇઓ રહી ચૂકેલ જેક વેલ્ચે તેની કંપનીના કર્મચારીને સંબોધતાં કહ્યું હતું કે તમારા ભાગ્યને કોઇ અન્ય નિયંત્રિત કરવા લાગે તે પહેલાં તમે સ્વયંને નિયંત્રિત કરતા શીખી જાવ. સારો બિઝનેસ લીડર વિઝનને બનાવે છે, વિઝનને બતાવે છે, વિઝનને ઉત્સાહની સાથે અપનાવે છે અને સતત તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. તમારા ઉદ્દેશનો પાયો મજબૂત હોવો જોઈએ, સફળતાનો યશ આપનારી ઇમારત બનતા વાર નહીં લાગે. દરેક નાની નાની વાત તમને આગળ વધતાં શીખવે છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે ધાર્યું હોત તો એક ક્ષણમાં યુદ્ધનું પરિણામ નક્કી કરી આપત, પણ તેઓ માર્ગદર્શક બન્યા. કાર્ય તો પાંડવોએ જ કરવું પડયું. તેમ જીવનમાં માર્ગદર્શક તમને પથ બતાવી શકે, મહેનત તો તમારે જ કરવી પડશે.
મક્કમ મનોબળ
તમારું મનોબળ, કાર્ય કરવા કેટલું તત્પર છે તેના પરથી તમારી મંઝિલ તૈયાર થાય છે. ૩૦ વર્ષની ઉંમરે ૩૦૦ મિલિયન ડોલરની કમાણી કરવી આસાન છે? જરાય આસાન નથી, પણ તે ઉદાહરણ તમારી અને મારી સામે છે. વિશ્વમાં અમુક દિવસોને ઐતિહાસિક દિવસો ગણવામાં આવે છે અને આવો જ અમર દિવસ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫નો દિવસ બન્યો. આ દિવસે તમારી વાતને વીડિયો સ્વરૂપે વાચા આપતી યુ ટયુબની સ્થાપના થઈ હતી. તમે શું કરવાના છો એ તમારો ઉદ્દેશ છે. તમારી પાસે જે છે એ તમારું ધૈર્ય છે અને તમે શું કરો છો એ તમારું સાહસ છે. ત્રણ અલગ અલગ વ્યક્તિઓના શ્રેષ્ઠ વિચારો સાથે મળે ત્યારે દુનિયાને કંઈક ને કંઈક નવીનતા મળે છે. ચેડ હ્યુર્લી હતા તો બી.એ.વિથ ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ અને તેમના બીજા બે મિત્રો સ્ટીવ ચેન અને જાવેદ કરીમ કમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ હતા. ત્રણમાંથી એક પણ ગોલ્ડ મેડાલિસ્ટ કે ટોપર નહોતા, પણ તેઓ જે ભણ્યા અને જે કર્યું તેનાથી વિશ્વના તમામ ગોલ્ડમેડાલિસ્ટ તેમને ત્યાં જોબ મેળવવા લોઇનમાં ઊભા છે. હ્યુર્લી અને ચેનની મુલાકાતમાંથી એક વિચારનું સર્જન થયું.
ચેને કરીમને કહ્યું અને ત્રણેએ વીડિયો શેરિંગના વિચારને સાર્થક બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ટેક્નિકલ ખામીઓના કારણે નિષ્ફળ રહ્યા, પણ કરીમે તે કર્યા વગર પાછળ નહોતું હટવું, તેણે હઠ પકડી. એ હઠ અને મહેનત રંગ લાવી. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ ત્રણેએ ભેગા મળીને www.youtube.com નામનું ડોમેઇન રજિસ્ટર કરાવ્યું અને ઇન્ટરનેટમાં નવી ક્રાંતિની શરૂઆત થઈ. એક વર્ષમાં તો વિશ્વને યુ ટયુબમય બનાવી દીધું. ગૂગલને પ્રથમ વખત એવું લાગ્યું કે તેને હરીફ કરી શકે તેવું ઇન્ટરનેટ પર કોઈક આવી ગયું. લરી પેજ અને સેરગી બરીને યુ ટયુબને ૧.૬ બિલિયન ડોલરમાં ખરીદ્યું. દુનિયામાં ઇન્ટરનેટ પર આટલી મોટી ડિલ પ્રથમ વખત થયેલી. જ્યારે યુ ટયુબને ગૂગલને હવાલે કર્યું ત્યારે તેનું કુલ રોકાણ હતું ૧૧.૫ મિલિયન ડોલર. અંદાજ લગાવો કે બે વર્ષની મહેનતનું પરિણામ કેવું મળ્યું? જાવેદ કરીમ આજે યુનિવર્સિટી કરીમ વેન્ચર નામની શૈક્ષણિક સંસ્થા ચલાવી રહ્યા છે,જ્યાં સ્ટુડન્ટને તેમના નવા વિચારોને ડેવલપ કરવાની ઉત્તમ તકો અને આગળ ધપાવવામાં મદદ કરવામાં આવે છે. ચેન અને ચેડે AVOS Systems બનાવી અને તેમાં કાર્યરત છે. જે આજે યાહૂ જેવી કંપનીની સૌથી મોટી માંગ છે. ગયા વર્ષે આવેલા અહેવાલમાં ત્રણેયની કમાણી ૩૦૦ મિલિયમ ડોલર કરતાં વધુ હતી.
આજનું કાર્ય, આવતી કાલનું ભવિષ્ય
આજે વાંચન કરવું કેટલું આસાન બની ગયું છે. ઇન્ટરનેટ પર એક ક્લિક કરો અને તમારા ઘરે બુક આવી જાય. બુક લખાઈ ગયા પછી તેને પ્રિન્ટિંગ પ્રેસમાં બનતા વાર નથી લાગતી. કલાકોમાં લાખો કોપીઓ તૈયાર કરી આપે તેવાં આધુનિક પ્રિન્ટિંગ મશીનો આવી ગયાં છે, પણ યાદ કરો એ સમયને જ્યારે એક જ વસ્તુને દરેક વખતે લખવી પડતી. ૧૩૦૦-૧૪૦૦માં વાંચન પણ શ્રીમંતો માટે જ હતું. આ સમયમાં દરેકના હાથમાં પુસ્તક હોય તેની કલ્પના પણ પરીઓની કહાની જેવી લાગે. સામાન્ય માનવી સુધી ઉત્તમ સાહિત્ય ના પહોંચવાનું દર્દ એક વ્યક્તિને થયું, કે આવું કેમ? યુરોપમાં ૧૩૯૮માં જોન ગુટેનબર્ગનો જન્મ જ કદાચ એક નવી ક્રાંતિ માટે થયો હશે. ઘરની સ્થિતિ સારી હતી, પણ પોતાને ભણવામાં રસ ના લાગે તો કરવું શું? સારા વિચારક અને મગજનો ઉપયોગ કરનાર સારા અને સાચા કામની શોધમાં જ હોય. દરરોજ કંઈક નવીન કરવું તે તેમનું કામ હતું.
તેમના મિત્રોમાં માટાભાગે સોની અને ધાતુઓનાં કામ સાથે સંકળાયેલા વધારે હતા. આ લોકોને કામ કરતા જોઈને તેને વિચાર આવ્યો કે જો ધાતુને ધારીએ તેમ ઢાળી શકાય છે તો કેમ હું મુદ્રણનું કામ ના કરું? આજ સુધી કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક વસ્તુને બીબાંમાં ઢાળવાથી તેની અનેક નકલો બનાવી શકાય છે. તે દિવસથી તેનું એક જ કામ હતું મુદ્રણયંત્ર (પ્રિન્ટિંગ મશીન). વિચાર જેટલો મજેદાર હોય છે તેટલો જ તેને સાકાર કરવો મુશ્કેલ હોય છે. તેટલે જ તે મહાન લોકોના હાથે સર્જન થવાનું પસંદ કરે છે. મનોમન યોજના કરીને કોઈને ખબર ના પડે તેમ ધાતુઓ અને લાકડામાંથી સુંદર ચિત્રો તૈયાર કર્યાં અને બીબાં બનાવ્યાં. સતત પ્રયત્નો અને મિત્રોની મદદથી મુદ્રણયંત્ર તૈયાર થયું. આ મુદ્રણમાં પ્રથમ પુસ્તક તૈયાર થયું બાઇબલ. આજે દુનિયા તે બાઇબલને ગુટેનબર્ગના બાઇબલથી ઓળખે છે. સારો અને વિચારકવર્ગ વાંચનથી બને છે અને આજે દુનિયા તેમની આભારી છે કે તેમણે આવી પરીકલ્પનાને વાસ્તવમાં બનાવી.
ટકોર
તમે તમારામાં એ બદલાવ લાવો જે તમે દુનિયામાં જોવા માંગો છો -મહાત્મા ગાંધી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો