સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2012

સાચો શિક્ષક


શિક્ષક એ માત્ર પગારદાર પંતુજી નથી. એ એક વ્યક્તિત્વ છે. સમાજનું મહત્ત્વનું અંગ છે રૂપિયા રળતાં મશીનો તો અસંખ્ય અસ્તિત્વમાં આવી જાય છે, પણ સમાજમાં સીમાચિહ્નો રોપી શકે તેવાં મૂલ્યવાન માનવી કેટલાં બને છે !
'શિક્ષક' શબ્દનો સીધો અર્થ છે શિક્ષણ આપે, શીખવાડે તે શિક્ષક. બાળકના પહેલાં શિક્ષક તેનાં માતા-પિતાને ગણાયા હોવા છતાં મા-બાપ કરતાંય શિક્ષકને વિશેષ સ્થાન અને વિશિષ્ટ જવાબદારી આપણા સમાજે આપ્યાં છે. તેથી બાળકના સર્વાંગી વિકાસ માટે સંસ્કારોનું સિંચન કરી તેને યોગ્ય, જીવનોપયોગી જ્ઞાન આપવામાં મા-બાપના સરખા ભાગીદાર બને તે શિક્ષક.
શિક્ષક એ માત્ર પગારદાર પંતુજી નથી. એ એક વ્યક્તિત્વ છે. સમાજનું મહત્ત્વનું અંગ છે. શિક્ષકપણું એ સ્કૂલ-ક્લાસરૂમ, પિરિયડ કે છાપેલા કોર્સને મોહતાજ ના રહેવું જોઈએ. એક જવાબદાર શિક્ષકનું કર્તવ્ય છે કે, તે વિદ્યાર્થીને શુદ્ધ જ્ઞાન અને સાચી કેળવણી આપી તેનું વ્યક્તિત્વ નિર્માણ કરે.
ચારિત્ર્યના સંસ્કારના અને નીતિમત્તાના ઉમદા પાઠ ભણાવીને તેને ભાવિ જીવન માટે તૈયાર કરે.
એક સમય એવો પણ હતો જ્યારે ગુરુ અને શિક્ષકનું નામ પડે એટલે માન અને આદરથી મસ્તક આપોઆપ નમી પડતું. શિક્ષા આપનારમાં ગુરુનું ગાંભીર્ય, પૂરતું જ્ઞાન, વિશાળ અનુભવ, ધીરજ અને ચારિત્ર્યના ઉત્તમ ગુણો પણ જોવા મળતાં, પણ સમય સાથે ગુરુની છબી તૂટતી ગઈ.
અફસોસ કે જ્યારથી શિક્ષણનું વ્યાપારીકરણ થવા લાગ્યું, કહેવાતા ગુરુદેવો માટે શિક્ષણ એ તગડી કમાણીનું સાધન બની ગયું. પરિણામે શિક્ષણ તથા શિક્ષક બેઉનું સ્તર ઉત્તરોત્તર કથળતું ગયું. શુદ્ધ જ્ઞાન રૂપિયાના રણકાર વચ્ચે ક્યાંક અટવાઈ ગયું અને શિક્ષકો ખુદ તેમના પદની ગરિમા ખોઈ બેઠા.
આજની વાર્તા એ છે કે, શિક્ષણ બોડીબામણીનું ખેતર બની ચૂક્યું છે અને તકસાધુ, ચતુર શિક્ષકો સફળ ખેડૂતો જેઓને જ્ઞાનનાં બીજ રોપવાના બદલે માત્ર રૂપિયાનો મબલખ પાક લણવામાં જ રસ છે. આમાં સાચું જ્ઞાન અને ખરી કેળવણી તો પેલા નિંદામણની જેમ બહાર જ ફેંકાઈ જાય છે.
મૂલ્યનિષ્ઠા એ કોઈપણ શિક્ષકનું ઘરેણું હોવું ઘટે. એક સાચા-સફળ શિક્ષકની ઓળખ જ તેની આ ફરજભાવનામાં સમાયેલી હોય છે.
પણ ચિંતાની વાત એ પણ છે કે, અસંખ્ય એવાં મૂલ્યહીન, ચારિત્ર્યહીન, લાલચુ અને ભણાવવાના નામે ઠાગાંઠૈયાં કરતાં શિક્ષકોનો આખો ફાલ શિક્ષણ જગતને ભરડો લઈ ચૂક્યો છે. બદનામ કરી ચૂક્યો છે. જેઓ સ્કૂલ-કોલેજમાં સરખું ભણાવવાની દાનત નથી રાખતાં, પણ ટયૂશનો અને એક્સ્ટ્રા કોચિંગ કરાવીને વધારાની કમાણી કરી લેવાનો મોહ જરૂર રાખે છે.
જેમને મારી-મચેડીને માત્ર કોર્સ પૂરો કરાવી દેવામાં (પતાવી દેવામાં...!!) જ રસ છે. શીખવવાના બદલે ધીબેડી-ગોખાવીને વિદ્યાર્થીને આગલા વર્ગમાં ધકેલી દેવામાં જ પોતાના શિક્ષકપણાની કાબેલિયત સાબિત કરવી છે.
જ્ઞાન અને આવડતની વચ્ચે લાગવગ તથા લાંચનું શું કામ ? આજે તો શિક્ષક કે પ્રોફેસરના 'માનીતા' હોવાનો પણ એક 'વિશેષ લાભ' મળતો હોય છે. એવાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીની ઉપર જે-તે સર અને ટીચરના ચારેય હાથ હોય છે.
પરિણામે કૃપા માર્ક્સના પ્રતાપે આ માનીતા વિદ્યાર્થીને 'પરાણે પાસ' પણ કરી દેવાતાં હોય છે. સવાલ એ છે કે, આ વિદ્યાર્થીઓ આગળ જતાં પછી દેશના જવાબદાર-સમજદાર નાગરિક અને મૂલ્યનિષ્ઠ માણસ બનતાં શીખે જ ક્યારે? બને પણ શા માટે ? એક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના સિલેબસમાં આવી બધી તો અનેક ખૂટતી કડીઓ જોવા મળશે. ખાટલે મોટી ખોડ તો એ પણ છે કે,આજના વિદ્યાર્થીને ભણવું નથી છતાં પાસ થવું છે અને સારી જોબ મેળવી અધધ કમાણી પણ કરવી છે. કેવી રીતે ? તો એ માટેનાં 'મોંઘેરા શોર્ટકટ' લઈને. આવા પૈસાલક્ષી શિક્ષકો તથા શિક્ષણ જગતના અનેક ખેરખાંઓ તૈયાર રહે છે. જેટલી ગરજ વધારે તેટલી કિંમત વધુ. આનું સીધું પરિણામ એ આવે છે કે, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એક્સ્પર્ટ્સ બને છે, પણ સફળ માણસ એમાંથી કેટલાં બને છે ? રૂપિયા રળતાં મશીનો તો અસંખ્ય અસ્તિત્વમાં આવી જાય છે, પણ સમાજમાં સીમાચિહ્નો રોપી શકે તેવાં મૂલ્યવાન માનવી કેટલાં બને છે !
શિક્ષકનો એક બીજો મનગમતો અર્થ પણ આજે ઘણા શિક્ષકો મનાવી રહ્યાં છે. નાની અમથી ભૂલ કે તોફાન બદલ વિદ્યાર્થીને ધીબેડી નાખવાના કિસ્સા પણ છાશવારે છાપે ચઢતાં રહે છે. શિક્ષા કરે તે શિક્ષક...!! મારે તે માસ્તર...? મારધાડ અને દાદાગીરી શિક્ષક નામ સાથે શોભતી નથી...!
સવારે પોતે ગાઈડમાંથી ગોખી-કાગળમાં લખીને જાય અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર રોફ જમાવી આવે. કોઈને કંઈ સમજાય નહીં કે આવડે નહીં એટલે સોટી લઈને 'શિક્ષકગીરી' કરી નાખવાની. ક્યારેક કોઈના પર મિજાજ જાય તો કાન કરડી નાખવાનો કે પછી મસ્તીના મૂડમાં હોય તો વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને કપડાં ઊતરાવીને સ્કૂલના ગ્રાઉન્ડમાં ચક્કર મરાવી લેવાનું !
અરે વાહ...! આ કેવા ગુરુઓ...!? જે વિદ્યાર્થી પર પોતાનો અંગત ગુસ્સો, વેર કે સ્વભાવની ખરાબીના લીધે ઢોરમાર મારી, માથાં ભીંતે પછાડીને ઇજા કરે ? આંખ સુઝાડી દે અને હાથ-પગ તોડી નાખે... !
વળી જેમણે ખુદ ચારિત્ર્યને આદર્શ બનાવવાનું હોય તેના બદલે સારા રિઝલ્ટ માટે ગરજવાન છોકરીઓને ફોસલાવી-ડરાવી અને ઈન્ટરનલ માર્ક્સની લાલચ આપી તેની સાથે બળાત્કાર કે શોષણ કરવાનું હોય ? તેમની છેડતી કરવાની હોય ? આમને તો "માર દિયા જાય કે છોડ દિયા જાય... !!" ગત માસમાં જ રાજકોટની એક સ્કૂલના પ્રિન્સિપાલે બે છોકરીઓને ભોળવીને ભગાડી ગયાનો બનાવ બનેલો છે. વાડ જ ચીભડાં ગળે ત્યારે ?
શિક્ષક અને વિદ્યાર્થિનીઓનો સેક્સ સીડીકાંડ પણ ગત વર્ષે જ સામે આવેલો છે. આ તે શિક્ષણ જગત પર કેવાં કેવાં કલંક ? શિક્ષકના નામ અને કામ સાથે આવું શોભા નથી જ આપતું. સવાલ એ ઊઠે છે કે, શિક્ષકનું અને શિક્ષણનું આવું અધઃપતન થયું કેવી રીતે ? શું આ બધા માટે માત્ર શિક્ષકો જ જવાબદાર ઠરે છે ? જવાબ હા હોય તો પણ શિક્ષક તો તેની ફરજો અને કર્તવ્ય ચૂકી રહ્યા છે, પણ તે આખી પ્રક્રિયામાં ખુદ વિદ્યાર્થી, તેમના વાલીઓ, શિક્ષણની બદલાયેલી સિસ્ટમ તથા ખુદ સમાજ આ બધા ઓછાવત્તા અંશે જવાબદાર બને છે.
ગુરુ-શિષ્યની વચ્ચે માર્ગદર્શક અને મૈત્રીનો સેતુ રચી શકે તેવા શિક્ષકોની તો અછત છે જ, પણ એવાં જ્ઞાનપિપાસુ શિષ્ય પણ આજે ક્યાં છે ? બેઉની વચ્ચે જાગવો જોઈએ તેવો આદર, આત્મીયતા અને વિશ્વાસનો માહોલ જ રચાતો નથી. પરિણામે છાશવારે અધ્યાપક કે શિક્ષકને મારવાના, સતામણીના કિસ્સા પણ કોલેજ કેમ્પસમાં બનતાં રહે છે. દોષી કોણ તે કેવી રીતે નક્કી કરવું ?આજના વિદ્યાર્થીઓને મન દઈને ભણી લેવાના સીધા રસ્તાના બદલે જ્ઞાનના શોર્ટકટ વધુ પસંદ આવે છે. તે માટે પૈસા વેરીને શિક્ષકની પ્રામાણિકતાને પણ ખરીદી લેવાં તે અને તેના વાલીઓ તત્પર રહે છે.
ખુદ વિદ્યાર્થીમાં ભણતરની ભૂખ, જાગૃતતા અને જિજ્ઞાસા હોવા જરૂરી છે, પણ તેની ગેરહાજરી છે જેથી નવા પ્રશ્નો ઊભા થયા કરે છે.
અને શિક્ષક બનનાર વ્યક્તિ પણ એ જ સમાજની દેન છે જેમાંથી તેને એવાં આદર્શો મળ્યાં હોય છે. કોઈપણ સમાજમાં સડો પેસવાના કારણો તેના પાયાના ચણતરમાં રહેલાં હોય છે અને જો શિક્ષણને સમાજનો પાયો ગણાતું હોય તો સુધારાની શરૂઆત અહીંથી જ થવી જોઈએ. માત્ર શિક્ષકને દોષી ઠેરવતાં પહેલાં સમાજમાં વ્યાપ્ત બદીઓ, નબળી કડીઓ અને નીતિવિષયક મૂલ્યો થકી સમાજની ગુણવત્તા સુધારવાના પણ પ્રયાસો કરવા જોઈએ.
એક બાળક પુખ્ત થતાં સુધીમાં તે તેના ઘર, સ્કૂલ તથા આસપાસના જીવનમાં બનતી જે કોઈ ઘટના જોવે છે તે જ શીખતો જઈ પોતાનું ચારિત્ર્ય નિર્માણ કરતો હોય છે. જરૂરી છે કે, સમાજના દરેક જવાબદાર પરિબળો તેની આ વિકાસની પ્રક્રિયામાં તંદુરસ્ત ભાગીદારી નિભાવે.
સમાજમાં જો કે એવાં પણ ગુરુઓ કે શિક્ષકોની સંખ્યા ઓછી નથી કે જેઓએ તેમના સ્થાનની ગરિમા જાળવી રાખી હોય. એક સાચા શિક્ષકની દરેક ક્વોલિટી તેઓ ધરાવતાં હોય અને વિદ્યાર્થી જગતમાં માન-આદર સાથે તેમનું નામ લેવાતું હોય.
શિક્ષક બનનાર દરેક સ્ત્રી-પુરુષ જો વ્યક્તિગત રીતે પોતપોતાની ફરજો અને નિષ્ઠા જાળવી રાખી સાચા શિક્ષકની-ગુરુની ભૂમિકા નિભાવે તે અત્યંત જરૂરી છે. સમાજના તંદુરસ્ત વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહેલાં શિક્ષકો પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ માત્ર રૂપિયાની ખેતી કરવાને જ ધ્યેય બનાવી વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત કરવાના બદલે તેમનામાં ભણતરની સાચી ભૂખ, સંપૂર્ણ જ્ઞાન અને ચેતનાના વાવેતર કરે અને તો જ ગુરુ-શિષ્યની પરંપરા પુનઃ સ્થાપિત થઈ શકશે.

2 ટિપ્પણીઓ: