સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

ગુરુવાર, 1 નવેમ્બર, 2012

ઈશ્વર સાથે ચેટિંગ

ઈશ્વર સાથે ઓનલાઈન ચેટિંગ.

એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ....

ઈશ્વર:શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’

ઈશ્વર:‘વત્સ હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’

ઈશ્વર:‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?

ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.

ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે.’

હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
ઈશ્વર : સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને?’

હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !

હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’

હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી,એ પણ વહી જવાના છે.’

હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’

હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’

હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.

હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’
ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.__. 

સોમવાર, 8 ઑક્ટોબર, 2012

મજબૂત ઇરાદો




         સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી વધુ જો કંઈ જરૂરી હોય તો એ છે મજબૂત ઇરાદો. એક વખત ધ્યેય નક્કી કર્યા પછી કોઈ પણ સ્થિતિમાં ડગવું કે ડરવું નહીં, એ સંકલ્પ જ તમને સફળતા અપાવશે.
              નિષ્ફળતાનો ખ્યાલ તેને જ આવે છે જેનો ઉદ્દેશ નબળો હોય. મજબૂત ઇરાદો ધરાવનાર હંમેશાં જીત જ મેળવે છે, કેમ કે તે દરેક કાર્યને સફળતાના ભાગરૂપે જ જુએ છે. પોતાના ઉદ્દેશ પર તે જ અડગ રહી શકે જેને પોતાના માર્ગની જાણકારી હોય. કામ પ્રત્યે સમર્પણની તૈયારી હોય અને પોતાના કામને સિધ્ધ કરવાની શક્તિ હોય. મજબૂત ઇરાદો, માર્ગની જાણકારી, કામ પ્રત્યે સમર્પણ અને અનુશાસન તમારામાં છે? જો જવાબ હા છે તો સફળતા તમારાથી દૂર નથી. તમારો ઉદ્દેશ અડગ હશે તો તમારું મિલન સફળતા સાથે થઈને જ રહેશે. જીવનમાં મહાન કામ મહાન વિચારોથી જ બને છે. 
                                      તમારા વિચારો ગમે તેટલા શ્રેષ્ઠ હશે, પણ તે મૂલ્યવાન ત્યારે જ બનશે જ્યારે તમે તેનો અમલ કરશો. જો એ વિચારનો અમલ નહીં કરો તો ઊંઘમાં જોયેલા સોનેરી સ્વપ્નની જેમ ઊઠતાની સાથે જ વિખેરાઈ જશે. જનરલ ઇલેક્ટ્રીકના સીઇઓ રહી ચૂકેલ જેક વેલ્ચે તેની કંપનીના કર્મચારીને સંબોધતાં કહ્યું હતું કે તમારા ભાગ્યને કોઇ અન્ય નિયંત્રિત કરવા લાગે તે પહેલાં તમે સ્વયંને નિયંત્રિત કરતા શીખી જાવ. સારો બિઝનેસ લીડર વિઝનને બનાવે છે, વિઝનને બતાવે છે, વિઝનને ઉત્સાહની સાથે અપનાવે છે અને સતત તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. તમારા ઉદ્દેશનો પાયો મજબૂત હોવો જોઈએ, સફળતાનો યશ આપનારી ઇમારત બનતા વાર નહીં લાગે. દરેક નાની નાની વાત તમને આગળ વધતાં શીખવે છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે ધાર્યું હોત તો એક ક્ષણમાં યુદ્ધનું પરિણામ નક્કી કરી આપત, પણ તેઓ માર્ગદર્શક બન્યા. કાર્ય તો પાંડવોએ જ કરવું પડયું. તેમ જીવનમાં માર્ગદર્શક તમને પથ બતાવી શકે, મહેનત તો તમારે જ કરવી પડશે.
મક્કમ મનોબળ
              તમારું મનોબળ, કાર્ય કરવા કેટલું તત્પર છે તેના પરથી તમારી મંઝિલ તૈયાર થાય છે. ૩૦ વર્ષની ઉંમરે ૩૦૦ મિલિયન ડોલરની કમાણી કરવી આસાન છે? જરાય આસાન નથી, પણ તે ઉદાહરણ તમારી અને મારી સામે છે. વિશ્વમાં અમુક દિવસોને ઐતિહાસિક દિવસો ગણવામાં આવે છે અને આવો જ અમર દિવસ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫નો દિવસ બન્યો. આ દિવસે તમારી વાતને વીડિયો સ્વરૂપે વાચા આપતી યુ ટયુબની સ્થાપના થઈ હતી. તમે શું કરવાના છો એ તમારો ઉદ્દેશ છે. તમારી પાસે જે છે એ તમારું ધૈર્ય છે અને તમે શું કરો છો એ તમારું સાહસ છે. ત્રણ અલગ અલગ વ્યક્તિઓના શ્રેષ્ઠ વિચારો સાથે મળે ત્યારે દુનિયાને કંઈક ને કંઈક નવીનતા મળે છે. ચેડ હ્યુર્લી હતા તો બી.એ.વિથ ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ અને તેમના બીજા બે મિત્રો સ્ટીવ ચેન અને જાવેદ કરીમ કમ્પ્યુટર સાયન્સના સ્ટુડન્ટ હતા. ત્રણમાંથી એક પણ ગોલ્ડ મેડાલિસ્ટ કે ટોપર નહોતા, પણ તેઓ જે ભણ્યા અને જે કર્યું તેનાથી વિશ્વના તમામ ગોલ્ડમેડાલિસ્ટ તેમને ત્યાં જોબ મેળવવા લોઇનમાં ઊભા છે. હ્યુર્લી અને ચેનની મુલાકાતમાંથી એક વિચારનું સર્જન થયું. 
ચેને કરીમને કહ્યું અને ત્રણેએ વીડિયો શેરિંગના વિચારને સાર્થક બનાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ટેક્નિકલ ખામીઓના કારણે નિષ્ફળ રહ્યા, પણ કરીમે તે કર્યા વગર પાછળ નહોતું હટવું, તેણે હઠ પકડી. એ હઠ અને મહેનત રંગ લાવી. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ ત્રણેએ ભેગા મળીને www.youtube.com નામનું ડોમેઇન રજિસ્ટર કરાવ્યું અને ઇન્ટરનેટમાં નવી ક્રાંતિની શરૂઆત થઈ. એક વર્ષમાં તો વિશ્વને યુ ટયુબમય બનાવી દીધું. ગૂગલને પ્રથમ વખત એવું લાગ્યું કે તેને હરીફ કરી શકે તેવું ઇન્ટરનેટ પર કોઈક આવી ગયું. લરી પેજ અને સેરગી બરીને યુ ટયુબને ૧.૬ બિલિયન ડોલરમાં ખરીદ્યું. દુનિયામાં ઇન્ટરનેટ પર આટલી મોટી ડિલ પ્રથમ વખત થયેલી. જ્યારે યુ ટયુબને ગૂગલને હવાલે કર્યું ત્યારે તેનું કુલ રોકાણ હતું ૧૧.૫ મિલિયન ડોલર. અંદાજ લગાવો કે બે વર્ષની મહેનતનું પરિણામ કેવું મળ્યું? જાવેદ કરીમ આજે યુનિવર્સિટી કરીમ વેન્ચર નામની શૈક્ષણિક સંસ્થા ચલાવી રહ્યા છે,જ્યાં સ્ટુડન્ટને તેમના નવા વિચારોને ડેવલપ કરવાની ઉત્તમ તકો અને આગળ ધપાવવામાં મદદ કરવામાં આવે છે. ચેન અને ચેડે AVOS Systems બનાવી અને તેમાં કાર્યરત છે. જે આજે યાહૂ જેવી કંપનીની સૌથી મોટી માંગ છે. ગયા વર્ષે આવેલા અહેવાલમાં ત્રણેયની કમાણી ૩૦૦ મિલિયમ ડોલર કરતાં વધુ હતી.
આજનું કાર્ય, આવતી કાલનું ભવિષ્ય
                       આજે વાંચન કરવું કેટલું આસાન બની ગયું છે. ઇન્ટરનેટ પર એક ક્લિક કરો અને તમારા ઘરે બુક આવી જાય. બુક લખાઈ ગયા પછી તેને પ્રિન્ટિંગ પ્રેસમાં બનતા વાર નથી લાગતી. કલાકોમાં લાખો કોપીઓ તૈયાર કરી આપે તેવાં આધુનિક પ્રિન્ટિંગ મશીનો આવી ગયાં છે, પણ યાદ કરો એ સમયને જ્યારે એક જ વસ્તુને દરેક વખતે લખવી પડતી. ૧૩૦૦-૧૪૦૦માં વાંચન પણ શ્રીમંતો માટે જ હતું. આ સમયમાં દરેકના હાથમાં પુસ્તક હોય તેની કલ્પના પણ પરીઓની કહાની જેવી લાગે. સામાન્ય માનવી સુધી ઉત્તમ સાહિત્ય ના પહોંચવાનું દર્દ એક વ્યક્તિને થયું, કે આવું કેમ? યુરોપમાં ૧૩૯૮માં જોન ગુટેનબર્ગનો જન્મ જ કદાચ એક નવી ક્રાંતિ માટે થયો હશે. ઘરની સ્થિતિ સારી હતી, પણ પોતાને ભણવામાં રસ ના લાગે તો કરવું શું? સારા વિચારક અને મગજનો ઉપયોગ કરનાર સારા અને સાચા કામની શોધમાં જ હોય. દરરોજ કંઈક નવીન કરવું તે તેમનું કામ હતું. 
                  તેમના મિત્રોમાં માટાભાગે સોની અને ધાતુઓનાં કામ સાથે સંકળાયેલા વધારે હતા. આ લોકોને કામ કરતા જોઈને તેને વિચાર આવ્યો કે જો ધાતુને ધારીએ તેમ ઢાળી શકાય છે તો કેમ હું મુદ્રણનું કામ ના કરું? આજ સુધી કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક વસ્તુને બીબાંમાં ઢાળવાથી તેની અનેક નકલો બનાવી શકાય છે. તે દિવસથી તેનું એક જ કામ હતું મુદ્રણયંત્ર (પ્રિન્ટિંગ મશીન). વિચાર જેટલો મજેદાર હોય છે તેટલો જ તેને સાકાર કરવો મુશ્કેલ હોય છે. તેટલે જ તે મહાન લોકોના હાથે સર્જન થવાનું પસંદ કરે છે. મનોમન યોજના કરીને કોઈને ખબર ના પડે તેમ ધાતુઓ અને લાકડામાંથી સુંદર ચિત્રો તૈયાર કર્યાં અને બીબાં બનાવ્યાં. સતત પ્રયત્નો અને મિત્રોની મદદથી મુદ્રણયંત્ર તૈયાર થયું. આ મુદ્રણમાં પ્રથમ પુસ્તક તૈયાર થયું બાઇબલ. આજે દુનિયા તે બાઇબલને ગુટેનબર્ગના બાઇબલથી ઓળખે છે. સારો અને વિચારકવર્ગ વાંચનથી બને છે અને આજે દુનિયા તેમની આભારી છે કે તેમણે આવી પરીકલ્પનાને વાસ્તવમાં બનાવી.
ટકોર
તમે તમારામાં એ બદલાવ લાવો જે તમે દુનિયામાં જોવા માંગો છો -મહાત્મા ગાંધી

શનિવાર, 6 ઑક્ટોબર, 2012

ગ્લોબલ વોર્મિંગ

ગ્લોબલ વોર્મિંગનું પ્રથમ નિશાન : ધ્રુવપ્રદેશનું રીંછ, જેના આવાસનું ૪૫% સ્થળ હવે જળ છે
થીજેલા સમુદ્રની બનેલી ઉત્તર ધ્રુવપ્રદેશની બર્ફિલી ચાદર ગ્લોબલ વોર્મિંગના કારણે ઝડપભેર સંકોચાઈ રહી છે એટલું જ નહિ, પણ તે ચાદરમાં ઠેર ઠેર છીંડાં પડ્યાં છે.

મંગળવાર, 2 ઑક્ટોબર, 2012

2nd October

મારું જીવન એજ મારી વાણી

પૂજ્ય બાપુ ને સત સત્ પ્રણામ 

શ્રાદ્ધ (પિતૃ પૂજન )




હિન્દુ શાસ્ત્રો અનુસાર, શ્રાદ્વ પક્ષમાં પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે, જો કે આ વખતે 29 સપ્ટેમ્બરથી શ્રાદ્વ પક્ષ બેસતું હોવાથી 17 દિવસ સુધી આ શ્રાદ્વ પર્વ ચાલશે. જેથી  પિતૃ ઋણ અદા કરવામાં સારા શુકનની નિશાની ગણવામાં આવે છે. કુટુબમાં સુખ, શાન્તિ અને વંશવેલો વધારવા માટે માટે પિતૃઓને તર્પણ કરવામાં આવે છે. શ્રાદ્વ ભોજનથી તૃપ્ત થઈને પિતૃઓ પોતાના વંશઘરના પરિવારને અપાર સમૃદ્ધિ આપે છે.




શુદ્ધતા જરૂરી
શ્રાદ્વ કર્મમાં પૂરો પરિવાર પિતરો પ્રત્યે સમ્માન અને શ્રદ્ધાપૂર્વ નતમસ્તક હોય છે અને તમામ મળીને પૂજા-હવન, યજ્ઞ, અનુષ્ઠાનમાં ભાગ લેતા હોય છે. શ્રાદ્ધ કર્મમાં ખાસ કરીને શુદ્ધતા અને પવિત્રતા જરૂરી છે.

લોખંડનાં વાસણોનો પ્રયોગ ન કરવો
શ્રાદ્વનું ભોજન તૈયાર કરતી વેળાએ લોખંડનાં વાસણોનો ઉપયોગ ન કરવો. સોના, ચાંદી, કાંસા, તાંબા અને માટીનાં વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ. માત્ર શાકભાજી અને ફળ કાપવા માટે ચપ્પુનો પ્રયોગ કરી શકાય. આવી માન્યતા છે કે લોખંડનાં દર્શન માત્રથી પિતૃઓ પરત ફરી જાય છે.

દારૂ-માંસાહાર નિષેધ
ભોજન બનાવતી વેળાએ કે પિરસતી વખતે માંસ કે દારૂનો પ્રયોગ ન કરવો. શ્રીમદ ભાગવત્ અનુસાર, ન તો કદી માંસ ખાવું જોઈએ, ન ત શ્રાદ્ધમાં આપવું જોઈએ. સાત્વિક અન્ન-ફળોથી પિતૃઓનો સર્વોત્તમ તૃપ્તિ થાય છે.

માદક ગંધનો ત્યાગ

શ્રાદ્ધમાં કદંબ, કેવડો, મોલસિરી, ભડકાઉ રંગના ફૂલો તથા ગંધ રહિત ફૂલ વર્જિત (મનાઈ) ગણાય છે. શ્રાદ્વના સમયે ચંદન, કપૂર સહિત સફેદ ચંદન વગેરે પિતૃકાર્યમાં શુભતા પ્રદાન કરે છે. ભોજન બનાવતી વેળા અને પિરસતી વખતે અત્તર, તેલ ગંધ વગેરેનો પ્રયોગ ન કરવો.

તલ અને જવનું મહત્વ

ભગવાન વિષ્ણુનું કથન છે કે તલ મારા પરસેવાથી પેદા થયેલાં છે, જેથી તર્પણ, દાન અને હોમમાં આપવામાં આવેલ તલનું દાન સારું ગણાય છે. એક તલનું દાન સોના બરાબર છે.

ચોખાનો લોટ અને ખીર
ચોખાનો લોટ અને ખીર મિષ્ઠાનથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. ચોખાના લોટનો પ્રયોગ પિંડ બનાવવા માટે કરાય છે.

લોટો, થાળી, ચંદન, પુષ્પ તમામ પહેલાં તૈયાર કરો. ભોજનનો હિસ્સો પ્રથમ ગાય માટે, બીજો કાગડાને, ત્રીજો કિડી, ચોથો કૂતરાને આપવો જરૂરી છે. શુભ ગંધ, ચંદન, દીપકથી દેવત્વ યોનિમાં ગયેલાં પિતૃઓને પ્રસન્ન થાય છે. આપણાં અન્ન, જળ, તલ, વસ્ત્ર ભોજન વગેરેથી મનુષ્ય યોનિને પ્રાપ્ત પિતૃઓને સંતોષ થાય છે. પિતૃઓને શ્રદ્વાપૂર્વક અન્ન અને ભોજન અર્પણ કર્યા પછી નીચે આપેલ મંત્રનો જાપ કરવો-

ઓમ દેવતાભ્ય : પિતૃભ્યશ્વ મહાયોગિભ્ય, એવ ચ નમ :સ્વધાયૈ સ્વાહાયૈ નિત્યમેવ ભવન્તુ તે. 

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨-૧૩


 વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી

  1.  ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦શિક્ષકો
  2.  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકો
  3.  સામાજિક વિજ્ઞાન૩૫૦૦ શિક્ષકોની
  ભરતી તા.૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી 

ઓન લાઇન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો.  
 આ બ્લોગ પર latest ભરતી ને લગતી માહિતી update થતી રહસે..
ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન ૩૦૦૦ શિક્ષકો - ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ૩૫૦૦ શિક્ષકો)ની ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org www.ptcgujarat. org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું.

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

ધ્યેય



            યુવાનીમાં કંઇક નવું અને શ્રેષ્ઠ કરી બતાવવાનો થનગનાટ હોવો જોઇએ. દુનિયાના પડકારો ઝીલીને તેની સામે લડવાની તાકાત કેળવવી જોઈએ. તે સમયે ગાડરિયા પ્રવાહમાં પોતાની જાતને ખોઈ બેસનાર યુવાન કેવા ભવિષ્યનું નિર્માણ કરશેઊંચું નિશાન અને ઊંચા સ્વપ્નો જ તમને નવી દિશા આપશે. મજબુત ઇરાદાઓની જ જીત થતી હોય છે.
આજે નવીનતાના નામે પરીક્ષાઓ આપવાની હોડ લાગી છે. શું બનવું છે એ નહીં, પણ સરકારી નોકરી ક્યાં મળે છે એ મહત્ત્વનું બની રહ્યું છે. હમણાંથી સરકારી જગ્યામાં ઘણી બધી ભરતીઓ થવા લાગી છે. આ ભરતીઓમાં પાસ થવા લાખો ઉમેદવારો તૈયાર થયા છે. પીએસઆઈ અને પોલીસની એક્ઝામ આપવા તો રીતસરનો ફુગાવો ફૂટી નીકળે છે. એક્ઝામ આપનાર દરેક ઉમેદવાર ખોટો નથી, પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરનારામાં તો અમુક ભરવા ખાતર ભરીને પ્રયત્ન કરે છે, તો અમુકને તો એ જ ખબર નથી કે તે શું કરી રહ્યા છે? અમુક વિદ્યાર્થીને તો વિનંતી કરવી પડે એમ છે કે તમે ભણી ના શકો તો કંઈ નહીં, પણ તેનું અપમાન તો ના કરો. હકીકત તો એ છે કે તે વિશે તેઓ જાણતા જ નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. 
             વાસ્તવિક વાત છે, એક યુવાને બેંક, ક્લાર્ક, કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી તમામ સરકારી નોકરીનાં ફોર્મ ભર્યાં છે અને તેની તૈયારી કરે છે. જ્યારે તેને પૂછયું તો ખ્યાલ આવ્યો કે તેણે માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનાં તો ફોર્મ જ ભર્યાં છે. કોઈ પણ સરકારી જાહેરાત આવે એટલે એ ફોર્મ ભરી દે. એ યુવાન કોમર્સનો વિદ્યાર્થી છે. તેના માટે જીવનમાં સરકારી નોકરી મહત્ત્વની છે, પછી તે કોઈ પણ પોસ્ટ કેમ ના હોય. યુવાનોને ભારતનું ભવિષ્ય માનનાર ડો. કલામ સાહેબ એમ માને છે કે ૨૦૨૦માં ભારત પાસે સશક્ત યુવાનોની ફોજ હશે અને ત્યારે ભારત વિશ્વની મહાસત્તા હશે. આ પ્રકારના યુવાનો પાસે જો તેમની અપેક્ષા હશે તો તે ક્યારેય પૂરી નહીં થાય. સરકારી નોકરી બેસ્ટ છે, પણ જો તેને આરામની નોકરી ના સમજો તો. જો સાચી શ્રદ્ધાથી પીએસઆઈ બનો તો તેનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે! તેમાં જ તો દેશનું નિર્માણ જોડાયેલું છે. બધા પોત પોતાની ક્ષમતા અને પ્રામાણિક બનીને એક્ઝામ આપે તો આ ફુગાવો ક્યારેય ના સર્જાય. જીવનમાં તમારૂ પોતાનું લક્ષ્ય હોવું જોઇએ. 
તે પછી અભ્યાસનું હોય કે બિઝનેસનું તેને પ્રાપ્ત કરવા તમારા તરફથી શ્રષ્ઠ પ્રયાસ થવો જોઇએ. કોણ શું કરે છે તે મહત્વનુ નથી. તમે શુ કરવા માંગો છો તે મહત્વનું છે. તમને જે પરીક્ષામાં પાસ થવાનો વિશ્વાસ ના હોય, તેમાં પૈસા આપીને પાસ થવાનો શું મતલબ? કદાચ તમે આડકતરી રીતે તેમાં નોકરી પણ મેળવી લેશો, પણ શું તમને તેમાં આત્મસંતોષ મળે છે? જ્યારે દુનિયા તમારી પાસે અપેક્ષા રાખે છે ત્યારે તમારે તમને સાબિત કરવા પડે છે. શિક્ષણ અને કરિયર બંને પાછળ આપણે જ છીએ. જેવું તમે નિર્માણ કરશો તેવું તમારી આવનારી પઢીને મળશે. તમારે શું આપવું છે? 'બેટમેન' ફિલ્મમાં એક જબરદસ્ત સંવાદ છે,જ્યારે બ્રુસ વેઇન કૂવામાં પડી જાય છે ત્યારે તેના પિતા તેને કહે છે, 'હમ ગિરતે ક્યોં હૈં, ક્યોંકિ હમ ખુદ કો સંભાલ શકે' જ્યારે ફિલ્મમાં ગોથમ શહેર પર માફિયા રાજ હાવી થઈ જાય છે ત્યારે બ્રુસ વેઇને દિશા નહીં, પણ દશા બદલી. કોઈ સારું સર્જન ત્યારે જ થાય જ્યારે તેના માટે સંઘર્ષ કરવામાં આવ્યો હોય.
હું ભલોને મારું સર્જન ભલું
                   તમને હજારો કામ કરવા માટેની પ્રેરણા મળશે, પણ તમને તમારો અંતરાત્મા જે કરવા કહે તે કરજો તો સફળતામાં તમે તમને જોશો. જેને ઇતિહાસ બનાવવો હોય તેના માટે ધનવાન કે ગરીબ હોવું ગૌણ છે. ગરીબીને ગરીબીથી જોનાર ક્યારેય પોતાને પ્રાપ્ત નથી કરી શકતા. યુવાનીમાં નિષ્ફળતા મળે એ પણ મહત્ત્વની બાબત છે, એ તમને જવાબદારી નિભાવતા શીખવે છે. આ વાત તે જ કહી શકે જેમણે તે પરિસ્થિતિનો સામનો કર્યો હોય, તે હતા વોલ્ટ ડિઝની. સવારમાં કડકડતી ઠંડીમાં પરિવારની રોજગારી પૂરી પાડવા પિતાના પેપરના વ્યવસાયને આગળ ધપાવવા બાળપણના દિવસો પેપર વેચવામાં કાઢયા હતા. આમ પણ ચાર દીવાલમાં ભણાવવામાં આવતું ભણતર તેમના માટે તો હતું જ નહીં. આઠ ધોરણ પછી વોલ્ટ ક્યારેય શાળાનું પગથિયું નથી ચડયા. બાળપણના શોખને અલગ અલગ ચિત્રોમાં જન્મ આપ્યો, પણ ત્યારે તે કાર્ટૂનનું મૂલ્ય નજીવું હતું. 
                 નવરાશની દરેક પળમાં તેઓ તેમની જાતને ચિત્રો દોરવામાં ખાઈ બેસતા. એક દિવસ ટ્રેઇનની યાત્રામાં નિરાશાની વચ્ચે ડ્રોઇંગ પેડ પર જે સર્જન તેમણે કર્યું તે હતું મિકી માઉસ. પૈસા તો તેમના પણ બહુ ડૂબ્યા હતા, પણ તેમણે તેમના કામનો ઉત્સાહ ક્યારેય ઓછો નહોતો થવા દીધો. તેમની જીવનકથા Walt Disney: Hollywood's Dark Prince જે Marc Eliot લખી છે. વોલ્ટ હંમેશા કહેતા કે દરેક કામનો આનંદ ઉઠાવો, તમારામાં આત્મવિશ્વાસ જગાવો તે કાર્ય કરવાનો. તેઓ જે કરતા તે મેળવીને જ રહેતા. મારા મતે શિક્ષણને મનોરંજન દ્વારા આપવામાં આવે તો તે યુવાનોના માનસપટ પર વધુ અસર કરે છે અને તે કરવામાં હું સફળ થયો છું.
જીવન એક પડકાર છે
            દરેક વસ્તુનું નિર્માણ બે વખત થાય છે. એક વખત મગજમાં અને બીજી વખત વાસ્તવિકરૂપમાં. નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા માનવી અટલ રહે તો તેને અવશ્ય મેળવીને જ જંપે છે. શિક્ષણ મેળવવું એ જીવનનો ભાગ છે પણ તેનું શ્રેષ્ઠ અમલીકરણ કરવું એ જીવનનું કાર્ય છે. જ્યારે ગુરૂ દ્રોણાચાર્યના આશ્રમમાં કૌરવો અને પાંડવો અભ્યાસ કરવા આવ્યા ત્યારે અર્જુન તેનો પ્રિય શિષ્ય નહોતો. પણ અર્જુનની શિખવા પાછળની ધગશ જોઈને તેનો પ્રિય શિષ્ય બન્યો. અર્જુનને શિખવું જ હતું એટલે પરિક્ષા સમયે તેને માત્ર પક્ષીની આંખ જ દેખાઈ. હિરાનું મૂલ્ય એ જ સમજી શકે જેણે તેને ઘસાતો જોયો હોય અને પારખી શકે. જો તમને વિશ્વાસ હોય તો તમે અવશ્ય તેના પર સિદ્ધી પ્રાપ્ત કરી શકો છો. પછી ભલેને તેને મેળવવા સૌથી કઠીન પરિશ્રમ કરવો પડે. અમેરિકામાં શિક્ષણને શ્રેષ્ઠ વેગ આપનાર બેન્જામિન મેય્સ બહુ સરસ વાત કહી છે. 'જીવનની નિષ્ફળતા એ નથી કે તમે લક્ષ્ય સુધી પહોચી ના શક્યા. નિષ્ફળતા એ છે કે ત્યા પહોચવા માટે તમારી પાસે કોઈ લક્ષ્ય જ નહોતું.

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

મેરા ભારત મહાન


...ને એક ગરીબ બ્રાહ્મણનો છોકરો વિશ્વના શિક્ષકો માટે બન્યો આદર્શ
તમિલના તિરુત્તાની ગામના ગરીબ બ્રાહ્મણનો છોકરો. એમ. એ. સુધીમાં આ કળીકાળમાં પ્રસ્થાનત્રયી (ગીતા,ઉપનિષદ અને બ્રહ્મસૂત્રને પ્રસ્થાનત્રયી કહે છે.  ઋષીઓ ત્યારે જ વિદ્વાન ગણાતાં) પર ભાષ્ય આપે છે. સ્કોલર થઈને ઓક્સફોર્ડમાં ભણવા ગયેલો આ ગરીબ બ્રાહ્મણનો છોકરો, આખરે ત્યાં પી.એચડીનો ગાઈડ બની જાય છે.

ઓક્સફોર્ડ યુનિ.માં ‘ઈસ્ટર્ન રિલીજીયન એન્ડ એથિક્સ’ વિષયના ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો પી.એચડી.નો ગાઈડ બની જાય છે. અંગ્રેજોને અંગ્રેજોના પ્રદેશમાં જઈને અંગ્રેજીમાં જ હિન્દુધર્મના પાઠ ભણાવે છે, જ્યારે અંગ્રેજો ભારત પર કબ્જો જમાવામાં વ્યસ્ત હતા, ત્યારે વિવેકાનંદ અને રવિન્દ્રનાથ પછી તેને સાબિત કરી બતાવ્યું કે વિચારોમાં બુદ્ધિમત્તા ભારતીયની હોઈ શકે છે. આ વ્યક્તિએ શું-શું સર્જન કર્યું 

ભેદ ખોલી શક્યો નહિ


ગેરસમજ કેવી હતી કે કંઇ બોલી શક્યા નહીં,
આપણી એ વાતનો ભેદ ખોલી શક્યા નહીં.

જાણતા હતા કે જીત આપણી જ છે,
તો પણ એ ખેલ ખેલી શક્યા નહીં.

જતું રહેવું દુનિયાની ભીડથી દૂર,
પણ મજબૂરી કે ફળિયા બહાર પગ મેલી શક્યા નહીં.

સહન તો બધું જ કરવાની તાકાત હતી,
પણ દુનિયાના દર્દને ઝેલી શક્યા નહીં.

પ્રણયનો એક દીપક જલાવી રાખ્યો’તો,
આંધી-તુફાનને પાછા ઠેલી શક્યા નહીં.

વજન કેવું હશે એ દર્દનું દોસ્તો,
કે કોઇ ત્રાજવે તોલી શક્યા નહીં...

સન્માન સમારંભ

શ્રી નીતિનભાઈ બી પટેલ (પ્રજ્ઞાના તજજ્ઞ સી આર સી ) પ્રમોશન મેળવી ચિકાર ના આચાર્ય બનતા સન્માન સમારંભ ના સંભારણા 



મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2012

સાચો શિક્ષક


શિક્ષક એ માત્ર પગારદાર પંતુજી નથી. એ એક વ્યક્તિત્વ છે. સમાજનું મહત્ત્વનું અંગ છે રૂપિયા રળતાં મશીનો તો અસંખ્ય અસ્તિત્વમાં આવી જાય છે, પણ સમાજમાં સીમાચિહ્નો રોપી શકે તેવાં મૂલ્યવાન માનવી કેટલાં બને છે !
'શિક્ષક' શબ્દનો સીધો અર્થ છે શિક્ષણ આપે, શીખવાડે તે શિક્ષક. બાળકના પહેલાં શિક્ષક તેનાં માતા-પિતાને ગણાયા હોવા છતાં મા-બાપ કરતાંય શિક્ષકને વિશેષ સ્થાન અને વિશિષ્ટ જવાબદારી આપણા સમાજે આપ્યાં છે. તેથી બાળકના સર્વાંગી વિકાસ માટે સંસ્કારોનું સિંચન કરી તેને યોગ્ય, જીવનોપયોગી જ્ઞાન આપવામાં મા-બાપના સરખા ભાગીદાર બને તે શિક્ષક.
શિક્ષક એ માત્ર પગારદાર પંતુજી નથી. એ એક વ્યક્તિત્વ છે. સમાજનું મહત્ત્વનું અંગ છે. શિક્ષકપણું એ સ્કૂલ-ક્લાસરૂમ, પિરિયડ કે છાપેલા કોર્સને મોહતાજ ના રહેવું જોઈએ. એક જવાબદાર શિક્ષકનું કર્તવ્ય છે કે, તે વિદ્યાર્થીને શુદ્ધ જ્ઞાન અને સાચી કેળવણી આપી તેનું વ્યક્તિત્વ નિર્માણ કરે.
ચારિત્ર્યના સંસ્કારના અને નીતિમત્તાના ઉમદા પાઠ ભણાવીને તેને ભાવિ જીવન માટે તૈયાર કરે.
એક સમય એવો પણ હતો જ્યારે ગુરુ અને શિક્ષકનું નામ પડે એટલે માન અને આદરથી મસ્તક આપોઆપ નમી પડતું. શિક્ષા આપનારમાં ગુરુનું ગાંભીર્ય, પૂરતું જ્ઞાન, વિશાળ અનુભવ, ધીરજ અને ચારિત્ર્યના ઉત્તમ ગુણો પણ જોવા મળતાં, પણ સમય સાથે ગુરુની છબી તૂટતી ગઈ.
અફસોસ કે જ્યારથી શિક્ષણનું વ્યાપારીકરણ થવા લાગ્યું, કહેવાતા ગુરુદેવો માટે શિક્ષણ એ તગડી કમાણીનું સાધન બની ગયું. પરિણામે શિક્ષણ તથા શિક્ષક બેઉનું સ્તર ઉત્તરોત્તર કથળતું ગયું. શુદ્ધ જ્ઞાન રૂપિયાના રણકાર વચ્ચે ક્યાંક અટવાઈ ગયું અને શિક્ષકો ખુદ તેમના પદની ગરિમા ખોઈ બેઠા.
આજની વાર્તા એ છે કે, શિક્ષણ બોડીબામણીનું ખેતર બની ચૂક્યું છે અને તકસાધુ, ચતુર શિક્ષકો સફળ ખેડૂતો જેઓને જ્ઞાનનાં બીજ રોપવાના બદલે માત્ર રૂપિયાનો મબલખ પાક લણવામાં જ રસ છે. આમાં સાચું જ્ઞાન અને ખરી કેળવણી તો પેલા નિંદામણની જેમ બહાર જ ફેંકાઈ જાય છે.
મૂલ્યનિષ્ઠા એ કોઈપણ શિક્ષકનું ઘરેણું હોવું ઘટે. એક સાચા-સફળ શિક્ષકની ઓળખ જ તેની આ ફરજભાવનામાં સમાયેલી હોય છે.
પણ ચિંતાની વાત એ પણ છે કે, અસંખ્ય એવાં મૂલ્યહીન, ચારિત્ર્યહીન, લાલચુ અને ભણાવવાના નામે ઠાગાંઠૈયાં કરતાં શિક્ષકોનો આખો ફાલ શિક્ષણ જગતને ભરડો લઈ ચૂક્યો છે. બદનામ કરી ચૂક્યો છે. જેઓ સ્કૂલ-કોલેજમાં સરખું ભણાવવાની દાનત નથી રાખતાં, પણ ટયૂશનો અને એક્સ્ટ્રા કોચિંગ કરાવીને વધારાની કમાણી કરી લેવાનો મોહ જરૂર રાખે છે.
જેમને મારી-મચેડીને માત્ર કોર્સ પૂરો કરાવી દેવામાં (પતાવી દેવામાં...!!) જ રસ છે. શીખવવાના બદલે ધીબેડી-ગોખાવીને વિદ્યાર્થીને આગલા વર્ગમાં ધકેલી દેવામાં જ પોતાના શિક્ષકપણાની કાબેલિયત સાબિત કરવી છે.
જ્ઞાન અને આવડતની વચ્ચે લાગવગ તથા લાંચનું શું કામ ? આજે તો શિક્ષક કે પ્રોફેસરના 'માનીતા' હોવાનો પણ એક 'વિશેષ લાભ' મળતો હોય છે. એવાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીની ઉપર જે-તે સર અને ટીચરના ચારેય હાથ હોય છે.
પરિણામે કૃપા માર્ક્સના પ્રતાપે આ માનીતા વિદ્યાર્થીને 'પરાણે પાસ' પણ કરી દેવાતાં હોય છે. સવાલ એ છે કે, આ વિદ્યાર્થીઓ આગળ જતાં પછી દેશના જવાબદાર-સમજદાર નાગરિક અને મૂલ્યનિષ્ઠ માણસ બનતાં શીખે જ ક્યારે? બને પણ શા માટે ? એક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના સિલેબસમાં આવી બધી તો અનેક ખૂટતી કડીઓ જોવા મળશે. ખાટલે મોટી ખોડ તો એ પણ છે કે,આજના વિદ્યાર્થીને ભણવું નથી છતાં પાસ થવું છે અને સારી જોબ મેળવી અધધ કમાણી પણ કરવી છે. કેવી રીતે ? તો એ માટેનાં 'મોંઘેરા શોર્ટકટ' લઈને. આવા પૈસાલક્ષી શિક્ષકો તથા શિક્ષણ જગતના અનેક ખેરખાંઓ તૈયાર રહે છે. જેટલી ગરજ વધારે તેટલી કિંમત વધુ. આનું સીધું પરિણામ એ આવે છે કે, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એક્સ્પર્ટ્સ બને છે, પણ સફળ માણસ એમાંથી કેટલાં બને છે ? રૂપિયા રળતાં મશીનો તો અસંખ્ય અસ્તિત્વમાં આવી જાય છે, પણ સમાજમાં સીમાચિહ્નો રોપી શકે તેવાં મૂલ્યવાન માનવી કેટલાં બને છે !
શિક્ષકનો એક બીજો મનગમતો અર્થ પણ આજે ઘણા શિક્ષકો મનાવી રહ્યાં છે. નાની અમથી ભૂલ કે તોફાન બદલ વિદ્યાર્થીને ધીબેડી નાખવાના કિસ્સા પણ છાશવારે છાપે ચઢતાં રહે છે. શિક્ષા કરે તે શિક્ષક...!! મારે તે માસ્તર...? મારધાડ અને દાદાગીરી શિક્ષક નામ સાથે શોભતી નથી...!
સવારે પોતે ગાઈડમાંથી ગોખી-કાગળમાં લખીને જાય અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર રોફ જમાવી આવે. કોઈને કંઈ સમજાય નહીં કે આવડે નહીં એટલે સોટી લઈને 'શિક્ષકગીરી' કરી નાખવાની. ક્યારેક કોઈના પર મિજાજ જાય તો કાન કરડી નાખવાનો કે પછી મસ્તીના મૂડમાં હોય તો વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને કપડાં ઊતરાવીને સ્કૂલના ગ્રાઉન્ડમાં ચક્કર મરાવી લેવાનું !
અરે વાહ...! આ કેવા ગુરુઓ...!? જે વિદ્યાર્થી પર પોતાનો અંગત ગુસ્સો, વેર કે સ્વભાવની ખરાબીના લીધે ઢોરમાર મારી, માથાં ભીંતે પછાડીને ઇજા કરે ? આંખ સુઝાડી દે અને હાથ-પગ તોડી નાખે... !
વળી જેમણે ખુદ ચારિત્ર્યને આદર્શ બનાવવાનું હોય તેના બદલે સારા રિઝલ્ટ માટે ગરજવાન છોકરીઓને ફોસલાવી-ડરાવી અને ઈન્ટરનલ માર્ક્સની લાલચ આપી તેની સાથે બળાત્કાર કે શોષણ કરવાનું હોય ? તેમની છેડતી કરવાની હોય ? આમને તો "માર દિયા જાય કે છોડ દિયા જાય... !!" ગત માસમાં જ રાજકોટની એક સ્કૂલના પ્રિન્સિપાલે બે છોકરીઓને ભોળવીને ભગાડી ગયાનો બનાવ બનેલો છે. વાડ જ ચીભડાં ગળે ત્યારે ?
શિક્ષક અને વિદ્યાર્થિનીઓનો સેક્સ સીડીકાંડ પણ ગત વર્ષે જ સામે આવેલો છે. આ તે શિક્ષણ જગત પર કેવાં કેવાં કલંક ? શિક્ષકના નામ અને કામ સાથે આવું શોભા નથી જ આપતું. સવાલ એ ઊઠે છે કે, શિક્ષકનું અને શિક્ષણનું આવું અધઃપતન થયું કેવી રીતે ? શું આ બધા માટે માત્ર શિક્ષકો જ જવાબદાર ઠરે છે ? જવાબ હા હોય તો પણ શિક્ષક તો તેની ફરજો અને કર્તવ્ય ચૂકી રહ્યા છે, પણ તે આખી પ્રક્રિયામાં ખુદ વિદ્યાર્થી, તેમના વાલીઓ, શિક્ષણની બદલાયેલી સિસ્ટમ તથા ખુદ સમાજ આ બધા ઓછાવત્તા અંશે જવાબદાર બને છે.
ગુરુ-શિષ્યની વચ્ચે માર્ગદર્શક અને મૈત્રીનો સેતુ રચી શકે તેવા શિક્ષકોની તો અછત છે જ, પણ એવાં જ્ઞાનપિપાસુ શિષ્ય પણ આજે ક્યાં છે ? બેઉની વચ્ચે જાગવો જોઈએ તેવો આદર, આત્મીયતા અને વિશ્વાસનો માહોલ જ રચાતો નથી. પરિણામે છાશવારે અધ્યાપક કે શિક્ષકને મારવાના, સતામણીના કિસ્સા પણ કોલેજ કેમ્પસમાં બનતાં રહે છે. દોષી કોણ તે કેવી રીતે નક્કી કરવું ?આજના વિદ્યાર્થીઓને મન દઈને ભણી લેવાના સીધા રસ્તાના બદલે જ્ઞાનના શોર્ટકટ વધુ પસંદ આવે છે. તે માટે પૈસા વેરીને શિક્ષકની પ્રામાણિકતાને પણ ખરીદી લેવાં તે અને તેના વાલીઓ તત્પર રહે છે.
ખુદ વિદ્યાર્થીમાં ભણતરની ભૂખ, જાગૃતતા અને જિજ્ઞાસા હોવા જરૂરી છે, પણ તેની ગેરહાજરી છે જેથી નવા પ્રશ્નો ઊભા થયા કરે છે.
અને શિક્ષક બનનાર વ્યક્તિ પણ એ જ સમાજની દેન છે જેમાંથી તેને એવાં આદર્શો મળ્યાં હોય છે. કોઈપણ સમાજમાં સડો પેસવાના કારણો તેના પાયાના ચણતરમાં રહેલાં હોય છે અને જો શિક્ષણને સમાજનો પાયો ગણાતું હોય તો સુધારાની શરૂઆત અહીંથી જ થવી જોઈએ. માત્ર શિક્ષકને દોષી ઠેરવતાં પહેલાં સમાજમાં વ્યાપ્ત બદીઓ, નબળી કડીઓ અને નીતિવિષયક મૂલ્યો થકી સમાજની ગુણવત્તા સુધારવાના પણ પ્રયાસો કરવા જોઈએ.
એક બાળક પુખ્ત થતાં સુધીમાં તે તેના ઘર, સ્કૂલ તથા આસપાસના જીવનમાં બનતી જે કોઈ ઘટના જોવે છે તે જ શીખતો જઈ પોતાનું ચારિત્ર્ય નિર્માણ કરતો હોય છે. જરૂરી છે કે, સમાજના દરેક જવાબદાર પરિબળો તેની આ વિકાસની પ્રક્રિયામાં તંદુરસ્ત ભાગીદારી નિભાવે.
સમાજમાં જો કે એવાં પણ ગુરુઓ કે શિક્ષકોની સંખ્યા ઓછી નથી કે જેઓએ તેમના સ્થાનની ગરિમા જાળવી રાખી હોય. એક સાચા શિક્ષકની દરેક ક્વોલિટી તેઓ ધરાવતાં હોય અને વિદ્યાર્થી જગતમાં માન-આદર સાથે તેમનું નામ લેવાતું હોય.
શિક્ષક બનનાર દરેક સ્ત્રી-પુરુષ જો વ્યક્તિગત રીતે પોતપોતાની ફરજો અને નિષ્ઠા જાળવી રાખી સાચા શિક્ષકની-ગુરુની ભૂમિકા નિભાવે તે અત્યંત જરૂરી છે. સમાજના તંદુરસ્ત વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહેલાં શિક્ષકો પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ માત્ર રૂપિયાની ખેતી કરવાને જ ધ્યેય બનાવી વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત કરવાના બદલે તેમનામાં ભણતરની સાચી ભૂખ, સંપૂર્ણ જ્ઞાન અને ચેતનાના વાવેતર કરે અને તો જ ગુરુ-શિષ્યની પરંપરા પુનઃ સ્થાપિત થઈ શકશે.

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

મહત્વના દિવસો


મહત્વના દિવસો


1          1 જાન્યુઆરી            નાગાલેંડ દિન
2         11 જાન્યુઆરી           લાલ બહાદુર શાશ્ત્રિ પુણ્યતીથિ
3        12 જાન્યુઆરી          સ્વામી વિવેકાનન્દ દિન
4         21 જાન્યુઆરી          મેઘલય, મણીપુર ,ત્રિપુરા દિન
5        23 જાન્યુઆરી          સુભાશચન્દ્ર બોઝ જન્મ દિન
6        26 જાન્યુઆરી          પ્રજાસત્તાક દિન
7        30 જાન્યુઆરી         શહીદ દિન, મહાત્મા ગાંધી દિન


1          1 ફેબ્રુઆરી            તટ રક્ષક દિન
2            6 ફેબ્રુઆરી             જમ્મુ અને કાશમીર દિન     
3            14 ફેબ્રુઆરી          વેલેંટાઇન ડે
4          18 ફેબ્રુઆરી          રામક્રિષ્ણા પરમહંસ જન્મ દિન       
5          28 ફેબ્રુઆરી            રાષ્ટ્રિય વિગ્યાન દિન 
6          29 ફેબ્રુઆરી          મોરારજી દેસાઇ દિન


1           4 માર્ચ              રાષ્ટ્રિય સુરક્ષા દિન   
2           8 માર્ચ              વિશ્વ મહિલા દિન, વિશ્વ શાક્ષરતા દિન       
3          11 માર્ચ             અંદમાન નિકોબાર દિન       
4           12 માર્ચ            દાંડી યાત્રા દિન      
5           15 માર્ચ              વિશ્વ વિકલાંગ દિન
6            21 માર્ચ           વિશ્વ વન દિન
7            22 માર્ચ             વિશ્વ જળ દિન
8            23 માર્ચ             શહિદ ભગતસિન્હ પુણ્યતિથી 
9          30 માર્ચ             રાજસ્થાન દિન


1            1 એપ્રિલ             એપ્રિલ ફુલ દિન, ઓરિસ્સા દિન      
2            5 એપ્રિલ             નેશનલ મેરિટાઇમ દિન      
3           7 એપ્રિલ             વિશ્વ આરોગ્ય દિન    
4           10 એપ્રિલ            વિશ્વ કેંસર દિન       
5           13 એપ્રિલ            જલિયાવાલા બાગ હત્યાકાંડ દિન    
6           14 એપ્રિલ             ડો. આંબેડકર જયંતી  
7            15 એપ્રિલ           હિમાચલ પ્રદેશ દિન  
8            23 એપ્રિલ           વિશ્વ પુસ્તક દિન      
9           30 એપ્રિલ           બાળ મજુરી વિરોધી દિન



1            5 જુન                  વિશ્વ પર્યાવરણ દિન
2            12 જુન                વિશ્વ બાળમજુરી વિરોધી દિન
3            23 જુન                વિશ્વ ઓલિમ્પિક દિન
4            27 જુન                વિશ્વ ડાયાબીટીસ દિન
5            28 જુન                ફાધર્સ ડે



1            1 જુલાઇ              ડોક્ટર દિન   
2            4 જુલાઇ               સ્વામી વિવેકાનંદ પુણ્યતિથી
3            11 જુલાઇ             વિશ્વ વસ્તી દિન      
4            19 જુલાઇ            બેંકો નુ રાષ્ટ્રિયકરણ દિન     
5             23 જુલાઇ            લોક્માન્ય ટિળક જયંતી      
6             25 જુલાઇ            પેરેંટ્સ ડે        
7            26 જુલાઇ           કારગિલ વિજય દિન  



1             1 ઓગષ્ટ             લોક્માન્ય ટિળક ની પુણ્યતિથી       
2             7 ઓગષ્ટ             રવિન્દ્રનાથ ટગોરે ની પુણ્યતિથી
3             9 ઓગષ્ટ             હિન્દ છોડો આંદોલન દિન    
4             14 ઓગષ્ટ           પાકિસ્તાન નો સ્વાતંત્રદિન   
5             15 ઓગષ્ટ            ભારત્ નો સ્વાતંત્રદિન
6             29 ઓગષ્ટ           મેજર ધ્યાનચંદ નો જન્મદિન 



1             5 સપ્ટેમ્બર             શિક્ષક  દિન
2            8 સપ્ટેમ્બર               વિશ્વ શાક્ષરતા દિન
3           11 સપ્ટેમ્બર             દેશ ભક્તી દિન
4            14 સપ્ટેમ્બર            અંધજન દિન
5            25 સપ્ટેમ્બર            વિશ્વ નૌકાદિન
6            26 સપ્ટેમ્બર            વિશ્વ બધિર દિન
7             27 સપ્ટેમ્બર            વિશ્વ પ્રવાસન દિન



1             1 ઓકટોબર                   સ્વૈચ્છિક રક્તદાન દિન       
2             2 ઓકટોબર                  મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાશ્ત્રિ દિન   
3             3 ઓકટોબર                  વિશ્વ પશુ દિન
4             6 ઓકટોબર                   વિશ્વ શાકાહારી દિન
5              8 ઓકટોબર                  ભારતિય વાયુસેના દિન      
6              9 ઓકટોબર                 વિશ્વ ટપાલ દિન      
7               16 ઓકટોબર                વિશ્વા ખાદ્યદિન
8             17 ઓકટોબર                 વિશ્વ ગરીબી નાબુદી દિન    
9              24 ઓકટોબર                સંયુક્ત રાષ્ટ્રિયદિન   
10            31 ઓકટોબર                રાષ્ટ્રિય એકતા દિન


1             1 નવેમ્બર                હરીયાણા દિન, છત્તિસગઢ સ્થાપના દિન
2              7 નવેમ્બર               રાષ્ટ્રિય કેંસર જાગ્રુતી દિન    
3              9 નવેમ્બર                રાષ્ટ્રિય ન્યાય સેવા દિન     
4              14 નવેમ્બર               બાલદિન      
5             15 નવેમ્બર               ઝારખંડ સ્થાપના દિન
6             20 નવેમ્બર               બાળ અધિકાર દિન   
7              24 નવેમ્બર              એન.સી.સી. સ્થાપના દિન    
8               26 નવેમ્બર              રાષ્ટ્રિય બંધારણ દિન


1            1 ડીસેમ્બર             વિશ્વ એઇડસ દિન     
2            3 ડીસેમ્બર             વિશ્વ વિકલાંગ દિન   
3            4 ડીસેમ્બર             નૌસેના દિન  
4            6 ડીસેમ્બર             નાગરીક સુરક્ષા દિન 
5            10 ડીસેમ્બર           વિશ્વ માનવ અધિકાર દિન    
6            15 ડીસેમ્બર            સરદાર પટેલ પુણ્યતિથિ
7            24 ડીસેમ્બર             રાષ્ટ્રિય ગ્રાહક દિન