સુવિચાર :- પ્રભુ એટલુ આપજો,કુટુંબ પોષણ થાય .ભૂખ્યું કોઈ સુવે નહિ,સાધુ સંત સમાય.અતિથિ ભોઠો નવ પડે ,આશ્રિત નવ દુભાય . જે આવે અમ આંગણે ,આશિષ દેતો જાય.

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

ધ્યેય



            યુવાનીમાં કંઇક નવું અને શ્રેષ્ઠ કરી બતાવવાનો થનગનાટ હોવો જોઇએ. દુનિયાના પડકારો ઝીલીને તેની સામે લડવાની તાકાત કેળવવી જોઈએ. તે સમયે ગાડરિયા પ્રવાહમાં પોતાની જાતને ખોઈ બેસનાર યુવાન કેવા ભવિષ્યનું નિર્માણ કરશેઊંચું નિશાન અને ઊંચા સ્વપ્નો જ તમને નવી દિશા આપશે. મજબુત ઇરાદાઓની જ જીત થતી હોય છે.
આજે નવીનતાના નામે પરીક્ષાઓ આપવાની હોડ લાગી છે. શું બનવું છે એ નહીં, પણ સરકારી નોકરી ક્યાં મળે છે એ મહત્ત્વનું બની રહ્યું છે. હમણાંથી સરકારી જગ્યામાં ઘણી બધી ભરતીઓ થવા લાગી છે. આ ભરતીઓમાં પાસ થવા લાખો ઉમેદવારો તૈયાર થયા છે. પીએસઆઈ અને પોલીસની એક્ઝામ આપવા તો રીતસરનો ફુગાવો ફૂટી નીકળે છે. એક્ઝામ આપનાર દરેક ઉમેદવાર ખોટો નથી, પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરનારામાં તો અમુક ભરવા ખાતર ભરીને પ્રયત્ન કરે છે, તો અમુકને તો એ જ ખબર નથી કે તે શું કરી રહ્યા છે? અમુક વિદ્યાર્થીને તો વિનંતી કરવી પડે એમ છે કે તમે ભણી ના શકો તો કંઈ નહીં, પણ તેનું અપમાન તો ના કરો. હકીકત તો એ છે કે તે વિશે તેઓ જાણતા જ નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. 
             વાસ્તવિક વાત છે, એક યુવાને બેંક, ક્લાર્ક, કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી તમામ સરકારી નોકરીનાં ફોર્મ ભર્યાં છે અને તેની તૈયારી કરે છે. જ્યારે તેને પૂછયું તો ખ્યાલ આવ્યો કે તેણે માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનાં તો ફોર્મ જ ભર્યાં છે. કોઈ પણ સરકારી જાહેરાત આવે એટલે એ ફોર્મ ભરી દે. એ યુવાન કોમર્સનો વિદ્યાર્થી છે. તેના માટે જીવનમાં સરકારી નોકરી મહત્ત્વની છે, પછી તે કોઈ પણ પોસ્ટ કેમ ના હોય. યુવાનોને ભારતનું ભવિષ્ય માનનાર ડો. કલામ સાહેબ એમ માને છે કે ૨૦૨૦માં ભારત પાસે સશક્ત યુવાનોની ફોજ હશે અને ત્યારે ભારત વિશ્વની મહાસત્તા હશે. આ પ્રકારના યુવાનો પાસે જો તેમની અપેક્ષા હશે તો તે ક્યારેય પૂરી નહીં થાય. સરકારી નોકરી બેસ્ટ છે, પણ જો તેને આરામની નોકરી ના સમજો તો. જો સાચી શ્રદ્ધાથી પીએસઆઈ બનો તો તેનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે! તેમાં જ તો દેશનું નિર્માણ જોડાયેલું છે. બધા પોત પોતાની ક્ષમતા અને પ્રામાણિક બનીને એક્ઝામ આપે તો આ ફુગાવો ક્યારેય ના સર્જાય. જીવનમાં તમારૂ પોતાનું લક્ષ્ય હોવું જોઇએ. 
તે પછી અભ્યાસનું હોય કે બિઝનેસનું તેને પ્રાપ્ત કરવા તમારા તરફથી શ્રષ્ઠ પ્રયાસ થવો જોઇએ. કોણ શું કરે છે તે મહત્વનુ નથી. તમે શુ કરવા માંગો છો તે મહત્વનું છે. તમને જે પરીક્ષામાં પાસ થવાનો વિશ્વાસ ના હોય, તેમાં પૈસા આપીને પાસ થવાનો શું મતલબ? કદાચ તમે આડકતરી રીતે તેમાં નોકરી પણ મેળવી લેશો, પણ શું તમને તેમાં આત્મસંતોષ મળે છે? જ્યારે દુનિયા તમારી પાસે અપેક્ષા રાખે છે ત્યારે તમારે તમને સાબિત કરવા પડે છે. શિક્ષણ અને કરિયર બંને પાછળ આપણે જ છીએ. જેવું તમે નિર્માણ કરશો તેવું તમારી આવનારી પઢીને મળશે. તમારે શું આપવું છે? 'બેટમેન' ફિલ્મમાં એક જબરદસ્ત સંવાદ છે,જ્યારે બ્રુસ વેઇન કૂવામાં પડી જાય છે ત્યારે તેના પિતા તેને કહે છે, 'હમ ગિરતે ક્યોં હૈં, ક્યોંકિ હમ ખુદ કો સંભાલ શકે' જ્યારે ફિલ્મમાં ગોથમ શહેર પર માફિયા રાજ હાવી થઈ જાય છે ત્યારે બ્રુસ વેઇને દિશા નહીં, પણ દશા બદલી. કોઈ સારું સર્જન ત્યારે જ થાય જ્યારે તેના માટે સંઘર્ષ કરવામાં આવ્યો હોય.
હું ભલોને મારું સર્જન ભલું
                   તમને હજારો કામ કરવા માટેની પ્રેરણા મળશે, પણ તમને તમારો અંતરાત્મા જે કરવા કહે તે કરજો તો સફળતામાં તમે તમને જોશો. જેને ઇતિહાસ બનાવવો હોય તેના માટે ધનવાન કે ગરીબ હોવું ગૌણ છે. ગરીબીને ગરીબીથી જોનાર ક્યારેય પોતાને પ્રાપ્ત નથી કરી શકતા. યુવાનીમાં નિષ્ફળતા મળે એ પણ મહત્ત્વની બાબત છે, એ તમને જવાબદારી નિભાવતા શીખવે છે. આ વાત તે જ કહી શકે જેમણે તે પરિસ્થિતિનો સામનો કર્યો હોય, તે હતા વોલ્ટ ડિઝની. સવારમાં કડકડતી ઠંડીમાં પરિવારની રોજગારી પૂરી પાડવા પિતાના પેપરના વ્યવસાયને આગળ ધપાવવા બાળપણના દિવસો પેપર વેચવામાં કાઢયા હતા. આમ પણ ચાર દીવાલમાં ભણાવવામાં આવતું ભણતર તેમના માટે તો હતું જ નહીં. આઠ ધોરણ પછી વોલ્ટ ક્યારેય શાળાનું પગથિયું નથી ચડયા. બાળપણના શોખને અલગ અલગ ચિત્રોમાં જન્મ આપ્યો, પણ ત્યારે તે કાર્ટૂનનું મૂલ્ય નજીવું હતું. 
                 નવરાશની દરેક પળમાં તેઓ તેમની જાતને ચિત્રો દોરવામાં ખાઈ બેસતા. એક દિવસ ટ્રેઇનની યાત્રામાં નિરાશાની વચ્ચે ડ્રોઇંગ પેડ પર જે સર્જન તેમણે કર્યું તે હતું મિકી માઉસ. પૈસા તો તેમના પણ બહુ ડૂબ્યા હતા, પણ તેમણે તેમના કામનો ઉત્સાહ ક્યારેય ઓછો નહોતો થવા દીધો. તેમની જીવનકથા Walt Disney: Hollywood's Dark Prince જે Marc Eliot લખી છે. વોલ્ટ હંમેશા કહેતા કે દરેક કામનો આનંદ ઉઠાવો, તમારામાં આત્મવિશ્વાસ જગાવો તે કાર્ય કરવાનો. તેઓ જે કરતા તે મેળવીને જ રહેતા. મારા મતે શિક્ષણને મનોરંજન દ્વારા આપવામાં આવે તો તે યુવાનોના માનસપટ પર વધુ અસર કરે છે અને તે કરવામાં હું સફળ થયો છું.
જીવન એક પડકાર છે
            દરેક વસ્તુનું નિર્માણ બે વખત થાય છે. એક વખત મગજમાં અને બીજી વખત વાસ્તવિકરૂપમાં. નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા માનવી અટલ રહે તો તેને અવશ્ય મેળવીને જ જંપે છે. શિક્ષણ મેળવવું એ જીવનનો ભાગ છે પણ તેનું શ્રેષ્ઠ અમલીકરણ કરવું એ જીવનનું કાર્ય છે. જ્યારે ગુરૂ દ્રોણાચાર્યના આશ્રમમાં કૌરવો અને પાંડવો અભ્યાસ કરવા આવ્યા ત્યારે અર્જુન તેનો પ્રિય શિષ્ય નહોતો. પણ અર્જુનની શિખવા પાછળની ધગશ જોઈને તેનો પ્રિય શિષ્ય બન્યો. અર્જુનને શિખવું જ હતું એટલે પરિક્ષા સમયે તેને માત્ર પક્ષીની આંખ જ દેખાઈ. હિરાનું મૂલ્ય એ જ સમજી શકે જેણે તેને ઘસાતો જોયો હોય અને પારખી શકે. જો તમને વિશ્વાસ હોય તો તમે અવશ્ય તેના પર સિદ્ધી પ્રાપ્ત કરી શકો છો. પછી ભલેને તેને મેળવવા સૌથી કઠીન પરિશ્રમ કરવો પડે. અમેરિકામાં શિક્ષણને શ્રેષ્ઠ વેગ આપનાર બેન્જામિન મેય્સ બહુ સરસ વાત કહી છે. 'જીવનની નિષ્ફળતા એ નથી કે તમે લક્ષ્ય સુધી પહોચી ના શક્યા. નિષ્ફળતા એ છે કે ત્યા પહોચવા માટે તમારી પાસે કોઈ લક્ષ્ય જ નહોતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો